અંગ્રેજીમાં કહેવાય છે કે તમારા મિત્રોને પસંદ કરી શકો, પણ પડોશીઓને નહિ. આપણે ભારતીયો તો એ વાત સારી રીતે જાણીએ છીએ, કેમ કે ખરાબ રીતે વેઠતા આવ્યા છીએ. ત્રણ પડોશીઓ આપણા પડખામાં શૂળની જેમ ભોંકાયેલા છે.
અફઘાનિસ્તાનને પણ તેના ભૌગોલિક સરનામાએ શાપિત દેશ બનાવી દીધો છે. આજથી લગભગ ૫,૦૦૦ વર્ષ અગાઉ ત્યાં કાયમી માનવવસાહતો સ્થપાયા પછી બહુ ઓછા કાળખંડ એવા વીત્યા કે જ્યારે એકાદ પરદેશી સૈન્ય અફઘાનિસ્તાન પર ચડી ન આવ્યું. આક્રમણખોરોમાં પરર્શિયાનો ડેરિયસ ૧લો, એલેકઝાન્ડર ધ ગ્રેટ, ચંગીઝ ખાન, તૈમૂર લંગડો તથા બાબરનો પણ સમાવેશ થતો હતો.
ભારત પર હકૂમત ચલાવતા બ્રિટન અને ઝારશાહી રશિયા વચ્ચેના ગજગ્રાહે તો ૬,૫૨,૦૦૦ ચોરસ કિલોમીટરના અફઘાનિસ્તાનને યુદ્ધના મેદાનમાં ફેરવી નાખ્યું. ઠંડા વિગ્રહ દરમ્યાન વળી સામ્યવાદી રશિયાએ અને મૂડીવાદી અમેરિકાએ તેમના Proxy War માટે અફઘાનિસ્તાનને માધ્યમ બનાવ્યું. લાખો અફઘાનો વિનાકારણે તેના ભોગ બન્યા. વિદેશીઓ પ્રત્યે નફરતની આગ ભડકી અને જેહાદની હાકલ ઊઠી. જેહાદીઓ તાલિબાન (પર્શિયન ભાષામાં ‘છાત્રો’) બેનર હેઠળ સશસ્ત્ર લડતે ચડ્યા. શાપિત અફઘાનિસ્તાન ફરી રક્તપાતની ભૂમિ બન્યું.
તાજેતરમાં કાબુલ પર તાલિબાનોનું શાસન સ્થપાયું તે ભારત માટે ગંભીર ખતરો છે. બે સંભવિતતાઓ દેખાય છે : (૧) પાકિસ્તાનની ISI ભારતમાં પુલવામા જેવી આતંકી પ્રવૃત્તિ વધારવા તાલિબાનીઓને કામે લગાડી દે; (૨) તકવાદી ચીન, પાકિસ્તાન અને તાલિબાન ભેગા મળી ભારતને બધી રીતે ભીંસમાં લે.
ભવિષ્યમાં આપણા દેશના માથે આફતનાં જે વાદળો ઘેરાવાનાં છે તેનો પૂરો અંદાજ મેળવવો હોય તો અફઘાનિસ્તાનનો તરખાટભર્યો ભૂતકાળ તે માટે તપાસવો જોઈએ. વિસ્તારપૂર્વક અને તસ્વીરો–નક્શાઓ સાથે અહીં તે ભૂતકાળ સિલસિલાબંધ ઘટનાક્રમે જ્ઞાનવિજ્ઞાનના ‘સફારી’ માસિકના તંત્રી નગેન્દ્ર વિજયની કલમે રજૂ થાય છે.
બધી રીતે પછાત અને પાયમાલ એવા અફઘાનિસ્તાને પોતાના કરતાં અનેક ગણા શક્તિશાળી દેશ અમેરિકાને લલકાર્યું, છતાં અમેરિકાએ વળતો જવાબ આપવામાં વિલંબ કેમ કર્યો? ઊલ્ટું, ધર્મઝનૂની તથા આતંકવાદી અફઘાનોની ધમકીઓથી તે સમસમી રહ્યું. જાણો છો શા માટે? અફઘાનિસ્તાનનો હજારો વર્ષનો લોહીયાળ ઇતિહાસ તપાસો તો આવા દરેક પ્રશ્નનો ખુલાસો મળી રહે.
અફઘાનિસ્તાનનો ઇતિહાસ અરેબિયન નાઇટ્સની વાર્તા જેવો છે, એટલે તેના વર્ણનનો પટારો કશી પૂર્વભૂમિકા બાંધ્યા વગર જો પરબારો ખોલી નાખ્યો હોય તો વર્ણન એકદમ વાસ્તવિક હોવા છતાં કલ્પિત જ લાગે.
ઇતિહાસ તો ઠીક, તાલીબાનના શાસન હેઠળ આવ્યા પછીના અફઘાનિસ્તાનનો વર્તમાન પણ કેવો અજૂબાબ્રાન્ડ છે. દુનિયાના બધા દેશોના આલ્ફાબેટિકલ લિસ્ટમાં Afghanistan નો નંબર તેના અંગ્રેજી સ્પેલિંગને કારણે પહેલો આવે, છતાં તેની વાર્ષિક માથાદીઠ આવક પ૯ર ડોલર જેટલી છે. કાબુલ સિવાય આખા દેશમાં બીજે કશે વીજળીની સુવિધા નથી, એટલે જેમને પોસાય તેઓ પોર્ટેબલ જનરેટર વાપરે છે. તાલિબાન જૂથના સૈનિકો ક્યારેક દૂરદરાજના ગામડામાં રાતભર પડાવ નાખી જનરેટર ચાલુ કરે ત્યારે બાળકો પ્રકાશિત વિદ્યુત બલ્બ જોવા માટે એકઠાં થાય છે. (સરેરાશ ભારતીય નાગરિક ૧,૧૮૧ KWh / કિલોવોટ કલાક વીજળી બાળે છે.)
અફઘાનિસ્તાન : ટિટબિટ્સ
પ્રાચીન કાળમાં અફઘાનિસ્તાન પ્રદેશ આર્યાના તરીકે ઓળખાતો હતો. લગભગ પ,૮પ૦ ફીટ ઊંચે વસેલા તેના વર્તમાન પાટનગર કાબુલનું નામ કુભા હતું. જ્યારે કંદહારનો પ્રાંત ગાંધાર કહેવાતો હતો. મહાભારતની ગાંધારી તે પ્રાંતની રાજકુમારી હતી.
ઇતિહાસકારો કહે છે કે નગરાજા તક્ષક ગાંધારનો પહેલો રાજા હતો. જેણે તક્ષશિલા નગર સ્થાપ્યું હતું. આ રાજાનું નામ અમુક લોકોએ ખોટી રીતે નાગ એટલે કે સાપ સાથે જોડી લીધું. વાસ્તવમાં એ નામ પહાડોમાં વસતી મોંગોલ પ્રજાનું હતું. (સંસ્કૃતમાં નગ = પર્વત.) સંસ્કૃત લખવા માટે નગ પ્રજાજનોએ જે લીપિ વાપરી તે નગરી કહેવાતી. અંતે તેને દેવનગરી નામ મળ્યું, કેમ કે સંસ્કૃત દેવભાષા હતી.
ઇ.સ. ર૦૦ માં ગાંધારની વિશિષ્ટ મૂર્તિકલાનો યુગ શરૂ થયો. કુશાન રાજા કનિષ્કે પોતાના સામ્રાજ્ય ભેગો બૌધ્ધ ધર્મ પણ કાબુલ અને હેરાત સુધી ફેલાવ્યો. ગાંધારના કારીગરોએ પોતાની મૂર્તિકલાને અનુસરી ભગવાન બુધ્ધને દેહસ્વરૂપે કંડાર્યા. વિરાટ પ્રતિમાઓ રચી. પહેલી જ વખત આમ બન્યું. કારણ કે અગાઉ બૌધ્ધધર્મી લોકો તેમના પ્રભુને માત્ર સંજ્ઞારૂપે રજૂ કરતા હતા. ઇતિહાસનો એ કટાક્ષ પણ કેવો કે જે ગાંધારે બુધ્ધને ‘મૂર્તિમંત’ બનાવ્યાં ત્યાં જ તાલિબાનો આજે તેનાં ભવ્ય શિલ્પોનું અસ્તિત્વ ભૂંસી ચૂક્યા છે.
બામિયાનની બૌધ્ધ પ્રતિમાને તોડવાની પહેલી કોશિશ ચંગીઝ ખાને કરી હતી અને બીજો પ્રયાસ મોગલ બાદશાહ ઔરંગઝેબે ર્ક્યો હતો. પ્રતિમા મજબૂત હોવાને લીધે તૂટી નહિ, પરંતુ વર્ષો બાદ તાલિબાનનાં સ્ફોટક રોકેટો તેને ભારે પડી ગયા.
સમ્રાટ અશોક તથા સમ્રાટ કનિષ્કના અરસામાં સમગ્ર અફઘાનિસ્તાન બૌધ્ધ ધર્મનો અંગીકાર કરવા લાગ્યું હતું. અમુક પ્રજાજનો હિન્દુ પણ હતા. ઇ.સ. ૬પર માં આરબોએ હુમલા કરી તેમને છેવટે મુસ્લિમ બનાવ્યા.
ભારતના સદ્દગત રાષ્ટ્રપતિ ડો. ઝાકિર હુસેન મૂળ અફઘાનિસ્તાનના પઠાણ હતા અને તેમના કુટુમ્બમાં પુશ્તુ ભાષા બોલાતી હતી.
અફઘાનિસ્તાનનું ક્ષેત્રફળ ૬,૪૭,૦૦૦ ચોરસ કિલોમીટર એટલે કે ગુજરાત રાજ્ય કરતાં ૩.૩ ગણું છે. આમ છતાં ત્યાં હાઇ-વે ગણી શકાય તેવો એક જ પાકો ધોરી માર્ગ છે. ૧૯૭૯ પછી સતત ચાલતા રહેલા વિગ્રહમાં સામસામી ગોલંદાજીને કારણે અફઘાનિસ્તાનનાં ૮૦% મકાનો ધરાશયી થયાં છે. આશરે પ,૦૦,૦૦૦ બેઘર લોકો બહાર ખુલ્લામાં તંબૂ નાખીને રહે છે. ઇરાનની તથા પાકિસ્તાનની સરહદમાં બીજા કુલ ૧૪ લાખ સ્ત્રી-પુરુષો અને બાળકો નિરાશ્રતો તરીકે ગરીબીનું અને ભૂખમરાનું જીવન ગુજારે છે. વિગ્રહોમાં લગભગ ૧૨ લાખ અફઘાનો માર્યા ગયા છે. અંદાજે ૧પ લાખ જણાએ પગ ગુમાવ્યા છે, કેમ કે જમીનમાં દાટેલી સુરંગ પર તેમણે અજાણતા પગ મૂકી દેવાની ભૂલ કરી નાખી. એક સમયે રેડ ક્રોસ અને યુનો જેવી સંસ્થાઓ અપંગો માટે દર સપ્તાહે વિમાન દ્વારા સરેરાશ ૩૬૦ વ્હીલ ચેર કાબુલ મોકલતી અને તેમનો હિસાબ ગણો તો આજની તારીખે અફઘાનિસ્તાનમાં વ્હીલ ચેરની સંખ્યા ર,૮૦,૦૦૦ કરતાં ઓછી નથી. નિકાસ માટે અફઘાનો કિંમતી ગાલીચા બનાવે છે, પરંતુ તેઓ પોતાના માટે કપડાંની એક જોડ પછી બીજી જોડ સામાન્ય રીતે ત્રણ કે ચાર વર્ષે ખરીદી શકે છે. ખોરાકનું પૂછતા હો તો ઘેટાં-બકરાંના માંસ, તેજાનાવાળી ચા અને મેંદાના રોટલા સિવાય લગભગ કશી જ વેરાયટી નહિ. ફળફળાદિની વાડીઓ તથા ખેતરોને એકધારા તોપયુદ્ધે બરબાદ કરી દીધાં છે.
બધી રીતે પછાત અને પાયમાલ એવા તે દેશનું ગજું શું કે શક્તિમાન રાષ્ટ્ર અમેરિકા માટે શાપરૂપ બને? પરંતુ બન્યો. સૌથી પ્રચંડ લશ્કરી તાકાત ધરાવતા રાષ્ટ્રને તેણે લાચારીનો અનુભવ કરાવ્યો. આ વાતનું ઘણા અમેરિકનોને પણ આશ્ચર્ય થતું હતું. વર્ષો સુધી તેઓ એમ માનતા રહેલા કે અફઘાનિસ્તાન ફટિચર લોકોનો ફાલતુ દેશ છે, જેને ચેસનું મહોરું સમજી ગમે તે રીતનો દાવ ખેલી શકાય છે—અને તેણે હંમેશા અમેરિકાના કહ્યાગરા રહેવું જોઇએ.
એક સમયે રશિયનો પણ આવા જ ભ્રમમાં રાચતા હતા. અફઘાનિસ્તાન તેમનું આજ્ઞાંકિત ન રહ્યું, એટલે તેમણે ડિસેમ્બર ૨૪, ૧૯૭૯ના રોજ કાબુલ પર વિમાનો દ્વારા લશ્કર ઉતાર્યું. કાબુલ સહિત જલાલાબાદ, કંદહાર, ગઝની, મઝાર-એ-શરીફ, હેરાત, ફૈઝાબાદ અને તર્મેઝના મોરચે ખૂનખાર જંગ શરૂ થયો. રશિયનો તે જંગમાં ખૂંપતા જ ગયા. મિસાઇલ અને રોકેટ ધરાવતાં ગનશિપ પ્રકારના હેલિકોપ્ટરો, રણગાડીઓ, તોપો, બખ્તરિયા લડાયક વાહનો, રાસાયણિક શસ્ત્રો અને MIG-27 જેવાં ગ્રાઉન્ડ એટેક પ્લેન તેમણે મોટી સંખ્યામાં વાપર્યાં, પણ એ બધો શસ્ત્રભંડાર દુર્ગમ પહાડોમાં આટાપાટા ખેલીને ગેરિલા યુદ્ધ આપતા ખડતલ અફઘાનો સામે નકામો ઠર્યો.
અફઘાનિસ્તાનનું જ્યારે અસ્તિત્વ પણ ન હતું
રશિયાએ પરાજય સ્વીકારી ૧૯૮૮માં પોતાનું સૈન્ય પાછું ખેંચી લીધું. આફ્રિકાના ડ્રાઇવર મંકોડા જેવા લોહીતરસ્યા, ઝનૂની અને કિન્નાખોર અફઘાનોના ચટકા વેઠીને તોબા પોકારી જનાર રશિયાનું કસાયેલું લાલ સૈન્ય / Red Army એ જ કે જેણે બીજા વિશ્વયુદ્ધમાં ફક્ત સ્તાલિનગ્રાદના મોરચે ૩,૦૦,૦૦૦ કરતાં વધુ નાઝી સૈનિકોનો ખાત્મો કરી હિટલરને પરાજય આપ્યો હતો. સામસામા પક્ષે બધું મળીને ૨૦,૦૦૦ રણગાડીઓ, ૧૧,૦૦૦ વિમાનો, ૫૨,૦૦૦ નાની-મોટી તોપો અને ૩૫,૦૦,૦૦૦ સૈનિકો વચ્ચેના આખરી રૂસી-જર્મન સંગ્રામમાં તો રશિયનોએ નાઝી ફોજનું લગભગ અસ્તિત્વ જ મિટાવી દીધું હતું. વિધિની બલિહારી કે બીજા વિશ્વયુદ્ધ કરતાં અનેકગણું વધારે શસ્ત્રસજ્જ એવું Red Army હિન્દુ કુશના પહાડી મુલકમાં પગપાળા ચાલતા, લઘરવઘર ફરતા અને મુખ્યત્વે AK-47 જેવી રાયફલો અને બહુ તો મશીનગનો વડે લડતા અફઘાનો સામે ટકી શક્યું નહિ.
ફક્ત રશિયાના કરુણ રકાસને શા માટે યાદ કરીએ? વિશ્વવિગ્રહમાં હિટલર વિરૂદ્ધ લડેલો અને વિજેતા નીવડેલો બીજો દેશ બ્રિટન પણ હતો. ઓગણીસમી સદીના અંતે તેમજ વીસમી સદીના આરંભે તેણે અફઘાનિસ્તાન પર ત્રણ હુમલા કર્યા હતા. બ્રિટીશ હિન્દના સીમાડાને તે છેક તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન સુધી વિસ્તારવા માગતું હતું–અને તે માટે તેણે ભૂખડીબારસ જેવા દેખાતા અફઘાનોને પોતાની તાકાતનો પરચો દેખાડી તાબામાં લેવાના હતા. મહાન સેનાપતિ નેપોલિયનને જેમણે વોટરલૂના મેદાન પર ઘૂંટણિયે પાડ્યો તે અંગ્રેજોની ખુમારી સમાતી ન હતી. ઇતિહાસમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ અફઘાન વોર તરીકે પ્રખ્યાત એવાં ત્રણ યુદ્ધોએ તેમની બધી ખુમારી કાઢી નાખી. અફઘાનિસ્તાનની સ્વાયતત્તાને માન્ય રાખતો દસ્તાવેજ તેમણે ઓગષ્ટ ૮, ૧૯૧૯ના રોજ લખી આપી માંડ છૂટકારો મેળવ્યો. બ્રિટીશ હિન્દના સીમાડા ખૈબર ઘાટ સુધી જ હોવાનું તેમણે કબૂલ રાખ્યું. આમ ‘કાબૂલીવાલા’ના પછાત દેશ અફઘાનિસ્તાને એ પરાક્રમ કરી બતાવ્યું કે જે નેપોલિયનનું ફ્રાન્સ કરી શક્યું ન હતું.
આ પાશ્ચાદ્ ભૂમિકાના પગલે અમુક સવાલો પેદા થાય છે : ભલભલી વિદેશી તાકાતો અફઘાનિસ્તાનને શા માટે કદી મહાત કરી શકી નથી? ઇતિહાસે તેને permanent battlegrounds તરીકે કેમ ઓળખાવ્યો છે? અફઘાનો પોતે અને ખાસ તો એ દેશ પર હવે સત્તા જમાવી દેનાર તાલિબાનીઓ કોણ છે? સ્વભાવે તેઓ આટલા ધર્મઝનૂની અને હિંસક કેમ છે? અને શા કારણે તેઓ આતંકવાદના રવાડે ચડ્યા છે?
આ બધા વર્તમાન પ્રશ્નોના જવાબો અફઘાનિસ્તાનના ભૂતકાળમાં રહેલા છે. લડાઇ અને લોહી વડે ખરડાયેલો તેનો છેલ્લો ૧,૦૦૦ વર્ષનો ભૂતકાળ બરાબર જાણી લો તો ભવિષ્યના મોકે પણ ત્યાં બનનારી ઘટનાઓ હાલના પ્રસંગોની માફક ભેદી લાગવાને બદલે તરત સમજમાં આવી જાય તેમ છે. એક મિલેનિયમના સમયફલકનું વર્ણન ખરેખર અરેબિયન નાઇટ્સની કાલ્પનિક વાર્તા જેવું છે, છતાં વાસ્તવિક છે.
જાણીતી વાત છે કે અફઘાનિસ્તાનની મૂળ પ્રજા અફઘાન ન હતી, મુસ્લિમ ધર્મનું પણ ત્યાં અસ્તિત્વ ન હતું અને તેના શાસકો પ્રાચીન ભારતના ચંદ્રગુપ્ત મૌર્ય તથા કનિષ્ક જેવા સમ્રાટો હતા. આજથી લગભગ ૨,૨૦૦ વર્ષ પહેલાં સિકંદરના વિશ્વાસુ સેનાપતિ સેલ્યુકસે સિન્ધુ નદી ઓળંગી પૂર્વ તરફ આવવાનો પ્રયાસ કર્યો ત્યારે ચંદ્રગુપ્તના લશ્કરે તેને પડકાર્યો, શિકસ્ત આપી, શરણે આવવાની ફરજ પાડી અને ખંડણી તરીકે સિન્ધુની પશ્ચિમનાં કાબુલ, હેરાત, કંદહાર (ગાંધાર) અને બલુચિસ્તાન મેળવ્યા. ચંદ્રગુપ્તના લશ્કરમાં ૯,૦૦૦ હાથી, ૩૦,૦૦૦ અશ્વારોહી સૈનિકો અને પાયદળના ૬,૦૦,૦૦૦ સૈનિકો ઉપરાંત અસંખ્ય રથ હતા, માટે સેલ્યુકસે ખાસ લડત પણ આપી નહિ. ભારતીય શાસકે પરદેશી સેનાપતિ પાસે શરણાગતિનો પત્ર લખાવ્યાનો એ પ્રથમ કિસ્સો હતો. (આ જાતનો બીજો શુભ પ્રસંગ લગભગ ૨,૨૦૦ વર્ષ પછી આવવાનો હતો કે જ્યારે પાક સેનાપતિ જનરલ નિયાઝી ૧૯૭૧માં ઢાકા ખાતે લેફ્ટનન્ટ-જનરલ જગજીતસિંહ અરોરાને letter of surrender લખી આપવાના હતા.) ચંદ્રગુપ્ત મૌર્ય પછી કુશાન સમ્રાટ કનિષ્કે તો પ્રાચીન ભારતના સીમાડા પશ્ચિમ મધ્ય એશિયા સુધી વિસ્તાર્યા. સંપૂર્ણ અફઘાનિસ્તાન તેના કબજા હેઠળ આવ્યું. અફઘાનોની વસ્તી જો કે ત્યાં ન હતી અને તેમના નામે ઓળખાતો તેમજ ચોક્કસ સીમારેખા ધરાવતો અલાયદો દેશ પણ ત્યારે ન હતો.
અફઘાનો પોતે કોણ હતા અને તેઓ આવ્યા ક્યાંથી? ઐતિહાસિક નોંધ મુજબ તેમનું મૂળ વતન સિરિયા હતું. બેબિલોન એટલે કે પ્રાચીન ઇરાકનો રાજકુમાર નેબુકન્દનઝર ઇ. સ. પૂર્વે ૬૦૫માં સિરિયા પર સફળ હુમલો કર્યા બાદ પાછો ફર્યો ત્યારે પડછંદ બાંધાના અનેક સિરિયનોને તે પોતાની સાથે કેદી તરીકે લેતો ગયો હતો. એ જ વર્ષે તે બેબિલોનનો રાજા બન્યો અને ઝૂલતા બગીચાના સર્જક તરીકે ખ્યાતિ પામ્યો. આ બગીચા તેણે પોતાની એમિતિસ નામની પત્ની માટે તૈયાર કરાવ્યા હતા. એમિતિસ પશ્ચિમ ઇરાન તથા અઝરબૈજાનમાં પથરાયેલા એક સામ્રાજ્યની રાજકુમારી હતી. બેબિલોન પર વિદેશી હુમલા થવા લાગ્યા ત્યારે નેબુકન્દનઝરે ભાગવું પડ્યું. સિરિયનોને તેણે થોડા સમય માટે પશ્ચિમ ઇરાન તથા અઝરબૈજાન પ્રદેશમાં મોકલી આપ્યા. ઇ. સ. પૂર્વે ૫૬૨માં તેનું આકસ્મિક મૃત્યુ થયું, એટલે સિરિયનો જ્યાંના ત્યાં જ ફસાયેલા રહ્યા. સેંકડો વર્ષ પછી તેમના વંશજોએ અફઘાનિસ્તાન તરફ સ્થળાન્તર કર્યું.
સિરિયનો લાંબે ગાળે અફઘાન શા માટે કહેવાયા તેનો પણ ભેદ જાણી લો. આર્યભટ્ટ પછીના વિખ્યાત ખગોળશાસ્ત્રી તથા પંડિત વરાહમિહિરે અફઘાનિસ્તા ન ગયેલા સિરિયનો માટે પહેલી વખત ‘અવગણ’ શબ્દ વાપર્યો હતો. (સંસ્કૃતમાં અવ = પછાતપણું સૂચવતો પૂર્વગ; ગણ = જૂથ, સમૂહ, કબિલો.) આ શબ્દ ૬ઠ્ઠી સદી પછી ભારતમાં લોકજીભે ચડ્યો અને પછી કાબુલ-કંદહાર પહોંચ્યો, જ્યાં ‘અવગણ’નું અપભ્રંશ ‘અફગન’ અને છેવટે ‘અફઘાન’ થતાં એ દેશનું નામ પણ અફઘાનિસ્તાન પડ્યું.
આપણે સામાન્ય રીતે અફઘાનિસ્તાનના દરેક વતનીને પઠાણ કહીએ. ખરી વાત એ કે ત્યાં પઠાણોની વસ્તી તો લાંબે ગાળે પણ ૫૦% સુધી મર્યાદિત રહેવાની હતી. ઉત્તરના તાજિકિસ્તાન પ્રદેશના લાખો તાજિક લોકો ક્રમશઃ અફઘાનિસ્તાનના સ્થાયી રહેવાસી બન્યા. અંતે કુલ વસ્તીમાં તેમનો હિસ્સો ૨૫% થવાનો હતો. ઉઝબેકિસ્તાનના કેટલાક ઉઝબેક લોકોએ ડેરા નાખી અફઘાન મુલકમાં પોતાની વસ્તી ૯% સુધી પહોંચાડી, જ્યારે મોંગોલ વંશના હઝારા કહેવાતા વસાહતીઓ ૧૦% કરતાં વધારે હતા. લગભગ ૨% બલુચીઓ હતા. આમાં પઠાણ તો માત્ર એ કે જેમની માતૃભાષા પુશ્તો અને પુખ્તો એમ બે પૈકી એક હતી. (બન્ને ભાષાઓ ઘણે ખરે અંશે સરખી, છતાં પુશ્તો સહેજ પોલીશદાર અને પુખ્તો જરા બરછટ યા કર્કશ લાગે.) પુખ્તો બોલે તે વ્યક્તિ પખ્તાન કહેવાય, જેનો ઉચ્ચાર આપણે ત્યાં પઠાન કે પઠાણ કરવામાં આવ્યો.
વખત જતાં પઠાણો તેમની ભાષા નહિ, બલકે પુખ્તુનવાલી તરીકે ઓળખાતી તેમની આચારસંહિતા માટે પ્રખ્યાત તેમજ કુખ્યાત બન્યા. આચારસંહિતા મુજબ દરેક પઠાણે ત્રણ બાબતોનું જાનના ભોગે પણ અક્ષરશઃ પાલન કરવું જોઇએઃ (૧) પહેલી બાબત તે નાનાવતાઇ, જેના અનુસાર તેણે અપરિચિત ભાગેડુ વ્યક્તિને પણ ઘરમાં આશરો દેવો રહ્યો. આમ કરવા જતાં પોતે મરી ફીટવું પડે તો પણ વાંધો નહિ, પરંતુ ફરજપાલનમાં ગફલત ન ચાલે; (૨) પુખ્તુનવાલી મુજબ નક્કી થયેલી બીજી ફરજ એટલે મેલ્માસ્તિયા, જેના અનુસાર દરેક પઠાણે તેના આંગણે પધારેલા મહેમાનને દિલપૂર્વક સત્કારવો જોઇએ. મહેમાન તેનો જાની દુશ્મન હોય તો હોય, પરંતુ તેની આગતાસ્વાગતા તેને દોસ્ત ગણીને જ કરવી જોઇએ. અતિથિની પરોણાગત અંગે પઠાણ માટે એક જ નિયમ : યારી હૈ ઇમાન મેરા, યાર મેરી જિંદગી; (૩) પુખ્તુનવાલીના ત્રીજા આદેશનું નામ છે બદલ–એટલે કે ખૂન કા બદલા ખૂન. બાપના હત્યારાને દીકરાએ પૂરો કરવો જ રહ્યો. દીકરો પોતે ત્યાર બાદ હત્યારો લેખાય, માટે તેને પૂરો કરવા વળી કો’ક ખડો થતો હતો. મૃત્યુ પામેલા બાપનું વેર લેવા તથા કુટુંબ પરનું લાંછન ધોવા માટે દીકરો ભરી બંદૂકે નીકળી પડે–અને બદલાના નામે ખૂનનો ક્રમ આગળ ચાલે. કદાચ પચાસ કે પોણો સો વર્ષ સુધીયે તે ક્રમ અટકે નહિ.
અનેક દેશો માટે ‘બેટલ ગ્રાઉન્ડ’ બનેલો દેશ
પુખ્તુનવાલીના આવા ત્રણ આદેશો નક્કી થયા તે પહેલાં અફઘાન પઠાણો મુસ્લિમ ન હતા. ઇસ્લામ ધર્મનું અસ્તિત્વ પણ નહિ. ઇ. સ. ૬૧૩ પછી એ ધર્મનો ફેલાવો થવા માંડ્યો. અરબસ્તાન, ઇરાન, તુર્કી અને ત્યાર બાદ મધ્ય એશિયાના ઘણા દેશો મુસ્લિમ બન્યા. અફઘાનિસ્તાનમાં કનિષ્કે નાખેલાં બૌદ્ધ ધર્મનાં મૂળિયાં ઘણો વખત સલામત રહ્યાં, કેમ કે મુસ્લિમ પ્રચારકો માટે હિન્દુ કુશનો એ પહાડી મુલક અભેદ્ય હતો. હિન્દુ કુશ પર્વતમાળા સરેરાશ ૨૪,૦૦૦ ફીટ ઊંચી, જ્યારે સમગ્ર મુલકમાં પથરાતી બીજી પાંચ દુર્ગમ પર્વતમાળાઓનું સરેરાશ લેવલ અનુક્રમે ૧૬,૯૦૦ ફીટ, ૧૫,૫૦૦ ફીટ, ૧૨,૩૦૦ ફીટ, ૧૧,૮૦૦ ફીટ અને ૧૦,૪૦૦ ફીટ હતી. શિખરોની કુલ સંખ્યા તો લાખેક જેટલી હતી. ઇ. સ. ૭૧૧માં આરબો પહેલવહેલા સિન્ધ પહોંચ્યા અને ત્યાર બાદ કેટલાક આરબો તથા પર્શિયનો (ઇરાની મુસ્લિમો) અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યા, જ્યાં તેમણે પોતાની જાગીરો સ્થાપી. આ નવા તથા અજાણ્યા મુલકને પોતાનું વતન બનાવનાર કેટલાય જણા વાસ્તવમાં તો ભાગી છૂટેલા ગુલામો હતા, જેમને ફક્ત અફઘાનિસ્તાનના ચોતરફી પહાડો વચ્ચે સ્વતંત્રતા તેમજ સલામતી મળી શકે તેમ હતી.
એકાદો સામાન્ય બનાવ અનેક દેશોની તવારીખને કેટલી હદે પલટી નાખે તેનું દ્રષ્ટાંત જુઓ : દસમી સદીમાં આલ્પતિજિન નામનો તુર્કી ગુલામ અફઘાનિસ્તાન ગયો અને લૂંટેલી સોનામહોરો વડે ભાડૂતી સૈનિકોને ખરીદી ત્યાંનું ગઝની નગર જીતી લીધું. કાબુલના પણ અમુક હિસ્સા પર કબજો મેળવ્યો. ઇ. સ. ૯૬૩માં આલ્પતિજિનનું મૃત્યુ થયું, એટલે તેનો જમાઇ (અને ભૂતપૂર્વ ગુલામ) સબુકતિજિન તેનો સત્તાવારસ બન્યો. કાબુલનો બાકી રહેલો વિસ્તાર જીત્યા પછી અને ગઝની હકૂમતના સીમાડા છેક સિન્ધુ નદી સુધી વિસ્તાર્યા પછી ઇ. સ. ૯૯૭માં સબુકતિજિન પણ મૃત્યુ પામ્યો, એટલે તેના નામીચા પુત્ર મહમદને સત્તા મળી. આ મૂર્તિભંજકનું વધુ જાણીતું નામ એટલે મહમદ ગઝની.
કેટલાક બદનસીબ દેશોનું ભૌગૌલિક સ્થાન પૃથ્વીના નકશા પર એવે કઠેકાણે હોય કે ઐતિહાસિક પુરવાર થનારી ઘટનાઓ અને દુર્ઘટનાઓ કદી તેમનો કેડો જ મૂકે નહિ. ઇરાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, ચીન અને બ્રિટીશ હિન્દ એમ કુલ છ દેશો વચ્ચે ઘેરાયેલું અફઘાનિસ્તાન તે સૌને માટે કુસ્તીના અખાડા જેવું હતું. ક્યારેક તેમનાં લશ્કરી ધાડાં અફઘાન ભૂમિને સાર્વજનિક ધોરી માર્ગ તરીકે વાપરે, તો ક્યારેક તેને ધરમશાળા સમજી પેલા તુર્કી ગુલામ આલ્પતિજિનની માફક ત્યાં કાયમના ધામા નાખે. ભારત પર આક્રમણ કરવું હોય તો લશ્કરે હિન્દુ કુશ અને ખૈબર ઘાટના રસ્તે વાયા અફઘાનિસ્તાન જવું રહ્યું. કનિષ્ક જેવો ભારતીય સમ્રાટ પરદેશી આક્રમણોને રોકવા માગતો હોય તો તેણે ‘બફર’ તરીકે વાપરી શકાતા અફઘાનિસ્તાનને પોતાના આધિપત્ય નીચે રાખ્યા વિના આરો નહિ. ઇરાન, તુર્કી, ઉઝબેકિસ્તાન વગેરે દેશોમાં જેમનાં (દા.ત. બાબરનાં) અંજળપાણી ખૂટી ગયાં હોય તેઓ પણ ભાગ્ય અજમાવવા માટે અફઘાનિસ્તાન સામે જુએ.
ઇરાનના સૈન્યનો અલ્લાઉદ્દીન હુસેન નામનો મહત્વાકાંક્ષી યોદ્ધો મોટું સામ્રાજ્ય ખડું કરવાનાં અરમાનો સાથે અફઘાનિસ્તાન ગયો, પશ્ચિમ સરહદ પાસે ઘોર કહેવાતા નાના કસ્બામાં પોતાનું ખોબા જેવડું રાજ્ય સ્થાપ્યું અને થોડાં વર્ષ બાદ તેના વંશજ મૈઝુદ્દીને ગઝની પર ત્રાટકી એ નગરને કબ્રસ્તાનમાં પલટી નાખ્યું.
અફઘાનિસ્તાન પર એ પછી ચંગીઝખાન, તૈમૂર, બાબર અને નાદિરશાહ એમ ચાર હુમલાખોરો વારાફરતી ચડી આવ્યા. નોંધવા જેવું છે કે અફઘાનિસ્તાન હજી પણ એક બેનર નીચેનો સંગઠિત દેશ ન હતો. લગભગ સવાસો અમીરાતો, પ્રાંતો અને સલ્તનતો ઉપરાંત નાની-મોટી જાગીરોમાં વહેંચાયેલો તે ફક્ત પ્રદેશ હતો. કોઇનો રાજકર્તા મૂળ પર્શિયન, કોઇનો ઉઝબેકી, કોઇનો પુશ્તુન એટલે કે પઠાણ, તો કોઇનો તુર્કસ્તાની હતો. વિદેશી હુમલાખોરોએ પણ તે બધાને છંછેડવાનું જરૂરી ન માન્યું. કાબુલ, હેરાત, કંદહાર, ગઝની, બામિયાન અને ખાસ તો ખૈબર ઘાટ પાસેના જલાલાબાદ પર કબજો સ્થાપીને જ સંતોષ લીધો, જ્યાં આમેય તેમનું વર્ચસ્વ લાંબો સમય ટક્યું નહિ–અને ટક્યું એટલો વખત અફઘાનિસ્તાનની વિવિધ પહાડી જાતિના છાપામાર લડવૈયાઓ તે નગરો પાસે સતત તેમના સૈનિકો પર હુમલા કરતા રહ્યા.
એક ખડતલ અને યુદ્ધખોર જાતિ અબ્દાલી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ખટપટી રોબર્ટ ક્લાઇવે ભારતીયોને લડાવી મારી અંગ્રેજોનું વર્ચસ્વ સ્થાપવાના પેંતરા મદ્રાસ ખાતે શરૂ કર્યા એ જ વર્ષે (૧૭૪૭માં) કાબુલ ખાતે અબ્દાલી જાતિનો સરદાર અહમદ શાહ અફઘાનિસ્તાનને સંગઠિત કરી અખંડ રાષ્ટ્રનું સ્વરૂપ આપવા મેદાને પડ્યો. વયમાં તે માત્ર ૨૫ વર્ષનો હતો, પણ તેની નેતૃત્વશક્તિ અને કાર્યકુશળતા લાજવાબ હતી. અબ્દાલી કોમના ૪,૦૦૦ હથિયારબંધ અફઘાનો સાથે તે નીડરપણે કંદહારમાં પ્રવેશ્યો અને ત્યાંના મૂળ પર્શિયન શાસકને મારી કંદહારને સમગ્ર અફઘાનિસ્તાનનું પાટનગર જાહેર કર્યું. દેશના સર્વસત્તાધીશ તરીકે અહમદ શાહ અબ્દાલીની તાજપોશીનો સમારંભ પણ ત્યાં જ યોજાયો. કોઇ પ્રાન્તીય રાજકર્તા તેને પડકારવા આગળ ન આવ્યો, બલકે સૌ તેના આજ્ઞાંકિત સૂબા બની રહેવા તૈયાર થયા. ઇતિહાસમાં પહેલી વખત અફઘાનિસ્તાનને પોતાની અલગ પિછાણ મળી. એક દેશ તરીકેનો દરજ્જો મળ્યો. તાજપોશી પછી અહમદ શાહ અબ્દાલીએ ‘દુર-એ-દુરાન’ (મોતીઓમાં અનેરૂં મોતી) એવું બિરૂદ અપનાવ્યું. સાથોસાથ પોતાનું નામ પણ બદલ્યું. અહમદ શાહ દુરાની કર્યું અને તેની પહાડી કોમ પણ અબ્દાલીને બદલે દુરાની તરીકે ઓળખાવા લાગી.
અહમદ શાહ જન્મજાત પુશ્તુન (પઠાણ) હતો. અફઘાનિસ્તાનમાં સ્થાનિક હકૂમતો અને જાગીર-જાયદાદો સ્થાપીને બેસી ગયેલા બધા તુર્કી અને પર્શિયન શાસકોની તેણે છૂટ્ટી કરી નાખી. એક નીતિ અપનાવી કે અફઘાનિસ્તાન પર રાજ માત્ર અફઘાનોનું જ હોવું જોઇએ અને હવે સંગઠિત કરાયેલો દેશ પાટનગર કંદહારમાં બેસી શાસન ચલાવતા અમીરની હકૂમત નીચે અવિભાજ્ય રહેવો જોઇએ. આ નીતિનો પ્રથમ અમલ તેણે પોતે કરવાનો હતો, પરંતુ સાડા છ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા દેશ પર સત્તાવાહી અંકુશ જમાવવા અહમદ શાહ અબ્દાલી પાસે ન પૂરતાં નાણાં હતાં કે ન દેશવ્યાપી પ્રતિષ્ઠા હતી. બન્ને હાંસલ કરવા તેણે ૧૭૪૭માં એટલે કે તાજપોશીના જ વર્ષે ભારત પર હલ્લો બોલાવ્યો. પતિયાલા સુધીનો પ્રદેશ ખેદાનમેદાન કરી તોપો, ઘોડા, તમંચા, ઊંટ, ગુલામો અને ઝવેરાત મેળવ્યા. ૧૭૪૯માં બીજા હુમલા વખતે પંજાબના ચાર જિલ્લા કબજે લીધા અને ત્યાંનું વાર્ષિક મહેસૂલ કંદહાર પહોંચતું થાય એ માટે ત્યાં સૂબા નીમ્યા.
ભારત પર ત્રીજું આક્રમણ ૧૭૫૧માં અને ચોથું ૧૭૫૭માં કર્યું કે જ્યારે બંગાળમાં રોબર્ટ ક્લાઇવે પણ પ્લાશીનું ઐતિહાસિક યુદ્ધ ખેલ્યું. જોવાની વાત છે કે બન્ને જણાની નેમ સદંતર જુદી હતી. કાવતરાબાજ અંગ્રેજ તરીકે ક્લાઇવ ભારતીયોને અંદરોઅંદર લડાવીને આપણે ત્યાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડેરા નાખવા માગતો હતો. અહમદ શાહ અબ્દાલીનું ધ્યેય અહીં ઘાતકીપણે જનસંહાર કરીને તેમજ મથુરા અને વૃંદાવન જેવાં પવિત્ર ધામોમાં હિન્દુ મંદિરોનો ધ્વંસ કરીને ધાક બેસાડવાનું હતું, જેથી લૂંટફાટ માટે ભારત પર તે જ્યારે પણ ત્રાટકે ત્યારે ફફડી ગયેલા રાજાઓ અને રૈયત તેને સતાવે નહિ. અબ્દાલીને ભારતમાં સામ્રાજ્ય ફેલાવવું ન હતું. માત્ર અફઘાનિસ્તાનમાં પોતાના સામ્રાજ્યને મજબૂત બનાવવું હતું. આથી ૧૭૬૦માં પાણીપતના મેદાન પર બાજી રાવના ૪૫,૦૦૦ સૈનિકોને હરાવ્યા પછીયે અબ્દાલી રોકાયો નહિ. બેહિસાબ માલમત્તા લૂંટી સ્વદેશ જતો રહ્યો. મહેસૂલની કાયમી આવક મળે એ હેતુએ જ તેને પંજાબનો ઉપજાઉ પ્રદેશ જીતવામાં રસ હતો. શીખોએ ૧૭૪૯, ૧૭૬૨, ૧૭૬૪, ૧૭૬૬ અને છેલ્લે ૧૭૬૯માં એમ પાંચ વખત તેના હુમલા વેઠવા પડ્યા અને પુષ્કળ ધન ગુમાવવું પડ્યું.
અંગ્રેજો અફઘાનિસ્તાન કેમ આવ્યા?
ભારતમાંથી અબ્દાલી ૨૩ વર્ષ સુધી જે દલ્લો સ્વદેશ ઘસડી ગયો એ કુલ મળીને તો અબજો રૂપામહોરો જેટલો હતો. આ પૈસાના જોરે તેણે પોતાની સત્તા વધારી અને તે સત્તાના જોરે દેશને સંગઠિત રાખ્યો. ૧૭૭૩માં અબ્દાલીના (દુરાનીના) અવસાન પછી સત્તા પર આવેલો તેનો પુત્ર તિમૂર શાહ જો કે ઢીલો સાબિત થયો. પુશ્તુન, ઉઝબેક, તાજિક અને હઝારા જાતિના તેમજ પેટાજાતિના સરદારો તેની સામે બગાવતે ચડ્યા. (હઝારા લોકો મોંગોલ હતા. મૂળ તો ચંગીઝખાનના એ સૈનિકો જેમણે મોંગોલ આક્રમણ પછી અફઘાનિસ્તાનમાં જ રોકાવાનું પસંદ કર્યું હતું. આજે કુલ વસ્તીમાં હઝારા અફઘાનો ૧૦% છે.) તિમૂર શાહનો ઘણોખરો સમય બગાવતોની આગ ઠારવામાં જ વીતતો રહ્યો. આમ છતાં પાટનગર કંદહારમાં તેની સામે એટલો બધો અસંતોષ વ્યાપ્યો કે ત્રાસીને એ નગર તેણે છોડ્યું અને કાબુલમાં વસી તેને પાટનગર બનાવ્યું. ૧૭૯૩માં ત્યાં જ એ મૃત્યુ પામ્યો. તિમૂર શાહનો પાંચમા નંબરનો પુત્ર ઝમાન શાહ ત્યાર પછી દેશના અમીરપદે બેઠો.
આ બધા સમયે અંગ્રેજો ભારતમાં શું કરતા હતા? બંગાળને, અવધને તથા બિહારને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગૂઠા નીચે લાવ્યા પછી ટીપુ સુલતાનના મૈસૂર સામે તેમણે મોરચો ખેલ્યો હતો. અફઘાનિસ્તાનના બનાવોમાં તેમને ખાસ દિલચસ્પી ન હતી. મહત્વાકાંક્ષી ઝમાન શાહે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નફિકરા ગવર્નર-જનરલ લોર્ડ વેલેસ્લીને રાતોરાત અફઘાનિસ્તાનમાં ઊંડો રસ લેતો કરી દીધો અને રાતની ઊંઘ પણ હરામ કરી દીધી. ૧૭૯૮માં ઝમાન શાહ જંગી લશ્કર સાથે ભારત આવવા નીકળ્યો. અવધના નવાબ વઝીર અલીનું, મૈસૂરના ટીપુ સુલતાનનું અને બંગાળના કઠપૂતળા નવાબ નાસીર-ઉલ-મુલ્કનું તેને ભાવભીનું આમંત્રણ હતું. અંગ્રેજો સામે લડવા તેમણે ઝમાન શાહની સહાય માગી હતી.
કાબુલથી ઝમાન શાહનું જંગી લશ્કર વાયા પેશાવર થતું લાહોર પહોંચ્યું. લાહોરથી તે સિન્ધુ તથા ગંગાનો મેદાની પ્રદેશ ઓળંગી કલકત્તા (આજે કોલકાતા) પહોંચ્યું હોત તો ભારતમાં બ્રિટીશરાજનો ઊગતો યુગ ત્યાં જ આથમી જાત, પરંતુ કાચ વડે પથ્થરના ચૂરા કરી જાણતા પેંતરાબાજ અંગ્રેજોને કોઇ પહોંચે નહિ. લોર્ડ વેલેસ્લીએ પોતાના વિશ્વાસુ અફસર કેપ્ટન જ્હોન માલ્કમને એક સીલબંધ કવર આપી તાબડતોબ પર્શિયા મોકલ્યો. કવરમાં રહેલો પત્ર ખાનગી હતો, પણ વેલેસ્લીનો ચાતુરીભર્યો દાવ અંતે ગુપ્ત રહી શકવાનો ન હતો. વસ્તુસ્થિતિ એ કે અફઘાનિસ્તાનના મૂળ પર્શિયન (ઇરાની) સરદારો-સામંતોને અહમદ શાહ અબ્દાલીએ હાંકી કાઢ્યા પછી અથવા તેમની હત્યા કર્યા પછી અફઘાનિસ્તાન સાથે પર્શિયાના સંબંધો બગડ્યા હતા. બીજી વસ્તુસ્થિતિ એ કે સત્તા માટેના સંઘર્ષમાં ઝમાન શાહ સામે હારી ગયેલો તેનો ભાઇ મહમૂદ શાહ જીવ બચાવવા ભાગીને પર્શિયા જતો રહ્યો હતો. લોર્ડ વેલેસ્લીએ પર્શિયન સમ્રાટને પત્ર લખી યુક્તિ દેખાડી કે મહમૂદ શાહને પૂરતું લશ્કર આપી કાબુલ મોકલો.
સોગઠી બરાબર વાગી. અબ્દાલી પઠાણો સામે દાઝે ભરાયેલા પર્શિયન સમ્રાટે મહમૂદ શાહને મોટી ફોજ સાથે કાબુલ મોકલ્યો. આ સમાચાર ઝમાન શાહને મળ્યા કે તરત એ વળી દાઝનો માર્યો પાછો કાબુલ તરફ રવાના થયો. મહમૂદે તેને ભાડૂતી પર્શિયનોના હાથે પકડાવ્યો, ગરમ સળિયા થકી તેની આંખો ફોડાવી નાખી અને કાબુલના બાલા હિસ્સાર કિલ્લામાં પૂરી દીધો. ઘણા વખત પછી ઝમાન શાહના વફાદાર સંત્રીઓ તેને ભગાડવામાં સફળ થયા. કાબુલથી તે ભીખારીના વેશે એક વણઝાર સાથે બુખારા (ઉઝબેકિસ્તાન) ગયો અને ત્યાર બાદ વર્ષો સુધી પહાડોમાં અથડાતો-કૂટાતો છેવટે ભારત આવ્યો. લુધિયાણામાં તે અંગ્રેજોના શરણે થયો. હવે તેણે જિંદગીનાં શેષ વર્ષો બ્રિટીશ જેલમાં ગણવાનાં થયાં. તકદીરની જ વાત હતી. નહિતર ક્યાં અંગ્રેજોને ભયભીત કરી દેનાર જંગી ફોજનો બળવાન સરદાર ઝમાન શાહ અને ક્યાં આંધળો, ચીંથરેહાલ, લાચાર તથા દયામણો ઝમાન શાહ.
કાબુલના તખ્ત પર આવેલો ઝમાનનો ભાઇ મહમૂદ ભારે આળસુ હતો. ઉડાઉ પણ હતો, એટલે ત્રણ વર્ષ પછી ૧૮૦૩માં દુરાની કોમના બુઝુર્ગોએ તેને પદભ્રષ્ટ કરી તેના બીજા ભાઇ શાહ શુજાને અમીર બનાવ્યો. ઝમાનની માફક શુજાનું પણ નસીબ તેની સાથે ન હતું. દેશનો વહીવટ તેણે સંભાળ્યો એ પછી થોડા જ વખતમાં મહારાજા રણજિતસિંહના શીખ યોદ્ધાઓ અફઘાનિસ્તાનની પૂર્વ સરહદે ગેરિલા આક્રમણો કરવા લાગ્યા. પશ્ચિમ સરહદે પર્શિયનોએ અનેક મોરચા ખોલ્યા. ઘરઆંગણે કેટલીક અફઘાન કોમોને શાહ શુજાના વહીવટ સામે અસંતોષ હતો અને તે કોમોના સરદારો પોતપોતાનો અલગ પ્રાન્ત કે પેટાપ્રાન્ત સ્થાપવા તત્પર હતા. આ નવા અમીર માટે હજી તો એ મુસીબતોનો આરંભ હતો. મુસીબતોની આઇટમ નંબર વન તરીકે બન્યું એવું કે ફ્રાન્સના નેપોલિયને તેમજ રશિયાના ઝાર એલેક્ઝાન્ડર પહેલાએ ભેગા મળી ભારત પર હુમલો કરવાની યોજના ઘડી કાઢી. ભારતમાં ડેરા નાખીને બેઠેલા અંગ્રેજો પાછા ભડક્યા. મામલો એકદમ ગંભીર જણાયો. આમ તો રશિયા અને ફ્રાન્સ વચ્ચે જરાય મનમેળ નહિ. (પાંચ વર્ષ પછી ૧૮૧૨માં નેપોલિયન પોતે રશિયા પર આક્રમણ કરવાનો હતો.) પરંતુ ભારત પર હુમલો કરવામાં બેયનો પોતપોતાની ગણતરી મુજબનો સ્વાર્થ હતો.
એક જમાનામાં મસ્કોવી નામનું માત્ર ઠકરાત જેવડું મિનિ રાજ્ય ધરાવતા રશિયન ઝાર પેઢી દર પેઢી મસ્કોવીના એટલે કે રશિયાના ભૌગોલિક સીમાડા વિસ્તાર્યે જતા હતા. ઝારશાહી રશિયન સામ્રાજ્ય વધુ ને વધુ દક્ષિણે ફેલાયે જતું હતું. ઉઝબેકિસ્તાન પહોંચ્યા બાદ હવે તેના માટે ભારતના સિન્ધ પ્રાન્તનો દરિયાકિનારો ઢૂકડો હતો, જેને આંબી લેવા તેણે અફઘાનિસ્તાનમાં વાયા મઝાર-એ-શરીફ, બામિયાન, કાબુલ, જલાલાબાદ અને ખૈબર ઘાટના રસ્તે જ સૈન્ય મોકલવું રહ્યું. નેપોલિયનને વળી અંગ્રેજો સાથે જૂનો હિસાબ ચૂકતે કરવાની તાલાવેલી હતી. ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પોતાનો કારોબાર ન વિસ્તારી શકે એ માટે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રોબર્ટ ક્લાઇવે તેની સામે યુદ્ધ ખેલ્યું હતું અને માત્ર પોન્ડિચેરી જેવાં ત્રણ ગામોમાં તેને ‘પૂરી’ દીધી હતી. આ ગુસ્તાખીનો બદલો લેવા હવે નેપોલિયન આખું ભારત જીતવા માગતો હતો.
અફઘાનો આવ્યા, માટે અંગ્રેજો ફાવ્યા
ઇતિહાસે જરાક પૂરતો જુદો વળાંક લીધો હોત તો ભારત લાંબા સમય માટે અંગ્રેજોનું ગુલામ થાત જ નહિ. બન્યું એવું કે માર્ચ ૩, ૧૭૦૭ના રોજ ઔરંગઝેબનું મૃત્યુ થયા પછી મોગલ સામ્રાજ્ય ખખડવા લાગ્યું. બરાબર પ૦ વર્ષ બાદ જૂન ર૩, ૧૭પ૭ના દિવસે રાેબર્ટ કલાઇવ પ્લાશીનું યુધ્ધ લડ્યો અને જીત્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ત્યાર બાદ કેટલાક સમયે ફક્ત બંગાળ મળ્યું. બાકીનું ભારત લગભગ ખાલી પડ્યું હતું. મરાઠાઓ તેને જીતી રહ્યા હતા. પંજાબ મેળવ્યા પછી ૧૭પ૮માં તેઓ છેક લાહોર સુધી પહોંચી ગયા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય તો મરાઠાઓ સામે મગતરાં જેવું હતું.
પરંતુ બેડ લક ભારતનું કે અફઘાનિસ્તાનનો પઠાણ અહમદશાહ અબ્દાલી ત્યારે જ દિલ્હી અને મથુરા પર ચડી આવ્યો. ઉત્તર ભારતમાં તેણે હાહાકાર ફેલાવ્યો. દેખીતી રીતે પેશ્વા વંશના મરાઠા શાસકો વિફર્યા. નવેમ્બર ૧, ૧૭૬૦ના રોજ તેમણે પાણીપતમાં ૬૦,૦૦૦ સૈનિકોના અફઘાન લશ્કરને પડકાર્યું અને હારી ગયા. ઘણાખરા યોદ્ધા ઉપરાંત અંદાજે પ૦ હજાર ઘોડા, પ૦૦ હાથી અને ૧,૦૦૦ ઊંટ તેમણે ગુમાવ્યા. સોનામહોરો અને ઝવેરાતનો ભંડાર પણ ખોવો પડ્યો. વિજયી અહમદશાહ અબ્દાલી તો ભારતમાં રોકાયો નહિ, પરંતુ મરાઠાની બધી શક્તિ તેણે હણી લીધી. આ રીતે અંગ્રેજો માટે રસ્તો સાફ થયો. અંતે સમગ્ર ભારત તેઓ ફરી વળ્યા.
નેપોલિયનની તથા ઝાર એલેક્ઝાન્ડરની યોજના જાણ્યા પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ગ્વાલિયર દરબારના બ્રિટીશ એજન્ટ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનને શાહ શુજા સાથે મૈત્રી બાંધવા મોકલ્યો. (વર્ષો બાદ એલ્ફિન્સ્ટન મુંબઇ પ્રાન્તનો ગવર્નર બન્યો હતો.) જૂન ૭, ૧૮૦૯ના રોજ તેણે પેશાવર ખાતે શાહ શુજા સાથે મૈત્રીકરાર કર્યા, જેની મુખ્ય કલમ એ કે કાબુલ સરકારે પરદેશી સૈન્યોને અફઘાનિસ્તાનમાંથી પસાર થવાની પરવાનગી આપવાની ન હતી. સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનને મળવા ખાતર શાહ શુજાએ કાબુલને રેઢું મૂક્યું એ ભૂલ કરી. અગાઉ પદભ્રષ્ટ થયેલો તેનો ભાઇ મહમૂદ પાછો સત્તા પર ચડી બેઠો. શુજા કેદ પકડાયો અને બેએક વર્ષ કારાવાસમાં સબડ્યો. ૧૮૧૨ની સાલમાં ભાગીને તેણે લાહોરના મહારાજા રણજિતસિંહને ત્યાં આશરો લીધો. શેર-એ-પંજાબે તેને રક્ષણ આપ્યું, પરંતુ બદલામાં આકરી કિંમત વસૂલ કરી. વિખ્યાત કોહિનૂર હીરો માગી લીધો.
કાબુલમાં મહમૂદનું શાસન લગભગ આઠેક વર્ષ ચાલ્યું. દુરાની વંશનો તે છેલ્લો અમીર હતો. એ પછી ઘણાં વર્ષો આંતરવિગ્રહમાં તેમજ અરાજકતામાં વીત્યાં. છેવટે બરકઝાઇ તરીકે ઓળખાતી બીજી પઠાણ જાતિનો આગેવાન દોસ્ત મહમદ ૧૮૨૬માં અફઘાનિસ્તાનનો સત્તાધીશ બન્યો. સૌ પહેલાં તેણે પેશાવરને મુક્ત કરાવવા માટે તજવીજો આદરી. પેશાવર મૂળ અફઘાનિસ્તાનનું, પણ મહારાજા રણજિતસિંહે તેને જીતી પોતાના વિશાળ પંજાબ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. ઇસ્લામ ધર્મના નામે દોસ્ત મહમદે ૧૮૩૬માં શીખો સામે જેહાદનું એલાન કર્યું. દેશના કટ્ટરવાદી યુવાન મુસ્લિમોનું નવું સૈન્ય રચ્યું, પેશાવર તરફ હલ્લો બોલાવ્યો અને શેર-એ-પંજાબ સામે બહુ ખરાબ રીતે હારી ગયો.
આ પહેલો એવો પ્રસંગ કે જ્યારે અફઘાનિસ્તાનમાં ઇસ્લામ ધર્મ એકાએક જોર પકડવા લાગ્યો. પુશ્તુન (પઠાણ), ઉઝબેક, તાજિક, હઝારા અને બલુચી સહિત બધા અફઘાનો મુસ્લિમ, એટલે સૌ ફરી વખત ‘કાફર’ શીખો સામે જેહાદે ચડવા તત્પર હતા. એકમાત્ર દોસ્ત મહમદ એટલું જાણતો કે રણજિતસિંહની લશ્કરી તાકાત સામે અફઘાનોનું ધર્મઝનૂન નકામું હતું. આથી તેણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર-જનરલ લોર્ડ ઓકલેન્ડને વિનંતી મોકલી કે શીખોને હરાવવામાં અમને મદદ કરો. પરંતુ ઓકલેન્ડે ના પાડી, આ સંજોગોમાં દોસ્ત મહમદે પર્શિયા અને રશિયા તરફ હાથ ફેલાવ્યા. બન્ને દેશો તેને લશ્કરી સહાય આપવા તૈયાર થયા. રશિયાનું નામ પડ્યું કે તરત અંગ્રેજોના પેટમાં ફરી તેલ રેડાયું, કારણ કે રશિયાનો ઝાર ત્યારે રોજના સરેરાશ ૧૨૫ ચોરસ કિલોમીટર લેખે પોતાનું સામ્રાજ્ય દક્ષિણ તરફ ફેલાવ્યે જતો હતો. અફઘાનિસ્તાનમાં ઘૂસવા માટે રૂસી સૈન્યને બહાનું મળી જાય, એટલે પછી ખૈબર ઘાટ ઓળંગી સિન્ધુનાં મેદાનોમાં તેને આવતાં કોણ રોકી શકવાનું હતું?
ચિંતામાં પડેલા ગવર્નર-જનરલ લોર્ડ ઓકલેન્ડને થયું કે દોસ્ત મહમદ અંગ્રેજો માટે આફત નોતરી લાવે એ પહેલાં તેને ઠેકાણે પાડી દેવો જોઇએ. લુધિયાણામાં નિરાશ્રિત બનીને રહેતા શાહ શુજાને અંગ્રેજોના કઠપૂતળા તરીકે કાબુલના તખ્ત પર બેસાડવાનું નક્કી કરી તેણે યુદ્ધની તૈયારી આરંભી.
જનરલ જ્હોન કીનના નેતૃત્વ હેઠળ ૨૧,૦૦૦ સૈનિકોનું લશ્કર અવનવો શસ્ત્રસરંજામ અને ખાધાખોરાકીનો પુરવઠો લાદેલા ૩૦,૦૦૦ ઊંટ સાથે ડિસેમ્બર, ૧૮૩૮માં બોલાન ઘાટના રસ્તે (અગાઉ બતાવેલા નકશામાં બોલાન ઘાટનું સ્થાન જુઓ.) કંદહાર તરફ આગળ વધ્યું. મજલ ૧,૬૦૦ કિલોમીટરની હતી. ત્રણેક મહિના પછી બોલાન ઘાટમાં રસાલો જેવો પ્રવેશ્યો કે બેય તરફના ડુંગરો પરથી તમંચા ફૂટવા શરૂ થયા. બુલેટોની ઝડી વરસી. યુદ્ધનું આવું પહાડી ‘મેદાન’ અંગ્રેજો માટે અજાણ્યું હતું અને યુદ્ધના ગેરિલા પ્રકારનો તો તેમને જરાય અનુભવ ન હતો. જેહાદના પોકારો કરતા અફઘાનોએ દિવસરાત જનરલ કીનના સૈન્યની તારાજી ચાલુ રાખી. કંદહાર પહોંચતા સુધીમાં જનરલના પાંચેક હજાર સૈનિકો માર્યા ગયા, જેમાં વધુ તો ભારતીય હતા. આમ છતાં એપ્રિલ, ૧૮૩૯માં જનરલે કંદહાર જીતી લીધું. એ પછી ગઝની અને કાબુલ પર વર્ચસ્વ જમાવ્યું. અમીર દોસ્ત મહમદ અંગ્રેજોના શરણે થયો. યુદ્ધકેદી ગણી તેને કલકત્તા મોકલી દેવાયો અને તેના સ્થાને શાહ શુજાને અમીર બનાવવામાં આવ્યો.
એક સમયે કચ્છમાં બ્રિટીશ પોલિટિકલ એજન્ટની ફરજ બજાવનાર સર એલેક્ઝાન્ડર બર્ન્સને કાબુલનું ગવર્નરપદ મળ્યું. આ નવી ગોઠવણ ટકી રહે અને માથાભારે અફઘાનો પાછા માથું ન ઊંચકે એટલા માટે બ્રિટીશ લશ્કરે કાબુલમાં પોતાનો મુકામ ચાલુ રાખ્યો. જેહાદના મૂડમાં આવી ગયેલા અફઘાન લોકોને આવા પરદેશી ‘કાફરો’ની (અલ્લાહમાં ન માનનારીની) હાજરી પસંદ ન હતી અને તેમના દ્વારા નીમાયેલો કઠપૂતળો અમીર પણ માન્ય ન હતો. અંગ્રેજો સામે તેમણે આતંકની પ્રવૃત્તિ શરૂ કરી. કાબુલના બજારોમાં, રસ્તા પર કે છાવણી પાસે અવરજવર કરતી બ્રિટીશ ફૌજી ટુકડીઓ અણચિંતવ્યા છાપામાર હુમલાનો શિકાર બનવા લાગી. અમુક ગોરા સૈનિકોને પઠાણોએ જાહેરમાં છરા હુલાવ્યા. પઠાણોનું ખુન્નસ સમાતું ન હતું. રોજ તેઓ કેટલાક અંગ્રેજોનો ભોગ લેતા રહ્યા. સેનાપતિ જ્હોન કીનને થયું કે ખોપરીમાં દિમાગને બદલે દારૂગોળો ધરાવતી પ્રજા વચ્ચે લાંબો સમય રહેવાય નહિ, માટે વહેલી તકે કાબુલ છોડી જતા રહેવું જોઇએ. પરંતુ કાબુલના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ સર વિલિયમ મેક્નેગ્ટને બ્રિટનની આબરૂનો પ્રશ્ન આગળ કર્યો. વિશ્વ પર રાજ કરવા માટે નિર્માયેલું બ્રિટન અફઘાનિસ્તાનની પહાડવાસી અર્ધજંગલી પ્રજા સામે ડરીને ઝૂકી પડે એ વિચાર જ અસહ્ય હતો.
ક્રૂર અફઘાનોએ ચલાવેલી અંધાધૂંધ કત્લેઆમ
પરંતુ એ જ વાસ્તવિકતા હતી. અંગ્રેજોની સેનાએ જવાનું નામ ન લીધું, એટલે નવેમ્બર, ૧૮૪૧માં અફઘાનો વિફર્યા. કાબુલમાં તોફાને ચડેલા અફઘાનોનું ટોળું અલ્લાહની મહાનતાનાં સૂત્રો પોકારતું સર એલેક્ઝાન્ડર બર્ન્સના આલિશાન રહેઠાણમાં ઘૂસ્યું, બાવડાં અને વાળ ખેંચી તેને બહાર કાઢ્યો અને જાહેર રસ્તા પર સૌ જુએ એમ છરા ભોંકી તેને મારી નાખ્યો. એલેક્ઝાન્ડરના ભાઇ ચાર્લ્સને પણ એ જ રીતે ખતમ કરવામાં આવ્યો. થોડા દિવસ પછી અફઘાનોએ સર વિલિયમ મેક્નેગ્ટનનો શિરચ્છેદ કર્યો. બ્રિટીશ લશ્કરે ત્યાર બાદ તરત બિસ્તરાપોટલાં ઉપાડ્યાં. જાન્યુઆરી ૬, ૧૮૪૨ના દિવસે ૧૬,૫૦૦ જણાએ ખૈબર ઘાટના રસ્તે નીકળી જવા માટે જલાલાબાદ તરફ કૂચ આદરી. શિયાળો જોરમાં હતો. હિમવર્ષા એકધારી ચાલુ હતી. પોચા હિમમાં અકેક ડગલું માંડ ભરી શકાતું હતું. આ કઠોર સંજોગો વચ્ચે અફઘાનોએ વળી ગેરિલા આક્રમણો શરૂ કર્યાં. સૈનિક વિરૂદ્ધ સૈનિકનો નહિ, કસાઇ વિરૂદ્ધ બકરાનો તે સંગ્રામ હતો. ચાર દિવસ પછી ૧૦મી જાન્યુઆરીના રોજ ફક્ત ચોથા ભાગનું લશ્કર બાકી રહ્યું. અને છેવટે ૧૩મી જાન્યુઆરીના દિવસે તો ૧૬,૫૦૦ પૈકી એક જણ (ડો. બ્રાઇડન નામનો લશ્કરી તબીબ) અકથ્ય યાતનાઓ, જખમો અને હિમડંખ વેઠીને માંડ જલાલાબાદ પહોંચ્યો. અંગ્રેજોના કરુણ રકાસનું વર્ણન કરવા માટે ફક્ત એ જીવતો રહેવા પામ્યો હતો.
અલબત્ત, રકાસ નક્કી હતો, કારણ કે અફઘાનિસ્તાન કોઇનું થયું નહોતું અને કોઇનું થવાનું ન હતું. બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની સરકાર ખળભળી ઊઠી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર-જનરલ લોર્ડ ઓકલેન્ડે તત્કાળ રાજીનામું આપી દેવું પડ્યું. બ્રિટનથી નવો ગવર્નર-જનરલ લોર્ડ એલનબરો કલકત્તા પહોંચ્યો. દરમ્યાન કાબુલમાં અફઘાનો શાહ શુજાને સખત પીડા આપ્યા બાદ ખતમ કરી ચૂક્યા હતા. દોસ્ત મહમદના પુત્ર અકબર ખાનને તેમણે અમીરપદે નીમ્યો હતો. લોર્ડ એલનબરોએ હોદ્દાનો ચાર્જ સંભાળ્યા પછી દોસ્ત મહમદને આઝાદ કરી દીધો. ૧૮૪૨માં દોસ્ત મહમદ ફરી અફઘાનિસ્તાનનો અમીર બન્યો. ૧૮૬૩ સુધી મૃત્યુ પર્યંત તેણે રાજ કર્યું અને પછી તેના ત્રણ પુત્રો (શેર અલી ખાન, અફઝલ ખાન તથા આઝિમ ખાન) વારાફરતી સત્તા પર આવ્યા. રશિયા ત્યારે પોતાનું સામ્રાજ્ય વિશેષ ઝડપે દક્ષિણ તરફ અફઘાનિસ્તાનની દિશામાં પ્રસારી રહ્યું હતું. ૧૮૬૬માં બુખારા, ૧૮૬૭માં તાશ્કંદ અને ૧૮૬૮માં સમરકંદને તે હડપ કરી ગયું. શેર અલીનો પુત્ર યાકુબ ખાન રશિયાની પગચંપી કરવા લાગ્યો, એટલે બ્રિટીશ સૈન્ય વળી ૧૮૭૮-૮૦માં અફઘાનિસ્તાન સામે યુદ્ધે ચડ્યું. યાકુબ ખાનને તેણે પકડ્યો અને ભારત મોકલી આપ્યો, તો અફઘાનોએ ત્યાર પછી બ્રિટીશ સૈન્યને ખોખરૂં કરી ભારત તરફ હાંકી કાઢ્યું.
ત્રીજું બ્રિટીશ-અફઘાન યુદ્ધ ૧૯૧૯માં થયું કે જ્યારે યાકુબ ખાનના વંશજ અમીર અમાનુલ્લાહ ખાને અફઘાનિસ્તાનના મામલામાં બ્રિટનના ચંચુપાત સામે વાંધો ઊઠાવ્યો. લડાઇ સાતેક મહિના ચાલી. ઊધઇના વિરાટ રાફડા જેવા પહાડોમાં છૂપાયેલા રહી ગેરિલા પદ્ધતિએ લડતા અફઘાનોને શોધવા મુશ્કેલ હતા, એટલે તેમનો મુકાબલો કરવો એ તો બીજી વાત હતી. બેઉ પક્ષોએ નવેમ્બર ૨૨, ૧૯૨૧ના દિવસે રાવલપિંડીમાં સંધિકરાર કર્યા, જે મુજબ બ્રિટીશ હિન્દ તથા અફઘાનિસ્તાન વચ્ચેની ડુરાન્ડ લાઇન કહેવાતી સરહદરેખાને તેમણે ફરી માન્યતા આપી. બ્રિટને અફઘાનિસ્તાનની સ્વાયતત્તા પણ સ્વીકારી અને ડુરાન્ડ લાઇન કદી ન ઓળંગવાનું વચન આપ્યું.
અંગ્રેજોની મૂંછ ઉતારી લેવા બદલ અમાનુલ્લાહ ખાનનો ડંકો તો જાણે વાગ્યો, પરંતુ તેણે એક ભૂલ કરી. મધ્યયુગમાં જીવતા અફઘાનિસ્તાનને મોડર્ન યુગમાં લાવવા માટે તેણે સુધારા દાખલ કર્યા. ઇસ્લામના કટ્ટરપંથી ટેકેદારોને જમાના સાથે ચાલવું જરાય ન ગમે, એટલે દેશભરમાં વિરોધ જાગ્યો. એક પછાત અફઘાની કોમના સરદાર હબિબુલ્લાહ કાલાકનીએ બળવાનું નેતૃત્વ લીધું. સુધારાવાદી અમાનુલ્લાહ ખાને દેશ છોડી જતા રહેવું પડ્યું અને પોતાનું નામ પણ લખી ન જાણતો હબિબુલ્લાહ આવડા મોટા દેશનો શહેનશાહ બન્યો. અફઘાન પ્રજાના સદ્દભાગ્યે તેનું રાજ પૂરા બાર મહિનાયે ચાલવાનું ન હતું. જોગાનુજોગ એવો થયો કે દેશનિકાલ થયેલા અમાનુલ્લાહ ખાનનો પિત્રાઇ ભાઇ નાદિર શાહ પણ વિદેશમાં રહેતો હતો. એક નપાવટ (અને ધંધે બહારવટિયો) માણસ સત્તા પર આવ્યો હોવાનું જાણ્યા પછી નાદિર શાહ તરત કાબુલ પાછો ફર્યો, પુશ્તુન આગેવાનોને ભેગા કર્યા, સૌનો ટેકો મેળવ્યો અને શાસનના અધિકારો પોતાના હાથમાં લીધા. હબિબુલ્લાહને પકડી બંદૂકની ગોળીએ દેવામાં આવ્યો. નાદિર શાહે પહેલી વખત દેશમાં સંસદીય પ્રણાલિ દાખલ કરી, ચૂંટણીઓ યોજી, કોલેજો સ્થાપી–અને ત્યાર પછી એ જ ભૂલ કરી કે જે તેના પિત્રાઇ ભાઇ અમાનુલ્લાહ ખાને કરી હતી : મધ્યયુગી દેશને મોડર્ન બનાવવા માટે તેણે કેટલાક સુધારા અપનાવ્યા, જે રૂઢિવાદી મુસ્લિમોને ગમ્યા નહિ. નવેમ્બર ૮, ૧૯૩૩ના રોજ એક શાળામાં પારિતોષિકોના વિતરણ સમારંભમાં તેણે હાજરી આપી તે દરમ્યાન ધર્મઝનૂની હત્યારાએ તેને શૂટ કરી દીધો. નાદિર શાહનો ૧૯ વર્ષનો પુત્ર ઝાહિર શાહ નવો રાજકર્તા બન્યો. ૧૯૭૩માં પદભ્રષ્ટ થતા પહેલાં તેણે લાગલગાટ ૪૦ વર્ષ રાજ કર્યું. એકધારા શાસનનો કીર્તિમાન નોંધાવ્યો–અને છતાં અફઘાનિસ્તાન બાહ્ય જગત માટે તો લગભગ અપરિચિત દેશ જ રહ્યો.
થોડાં વર્ષ પછી અફઘાનિસ્તાન રોજેરોજ સમાચારોમાં ચમકવા માંડયો તથા પોતાનાં કરતૂતો વડે બાહ્ય જગતને વારંવાર ચોંકાવવા લાગ્યો આનું કારણ ઝાહિર શાહ પોતે હતા. અફઘાનિસ્તાનને ઘણી બાબતોમાં પ્રગતિશીલ દેશ બનાવ્યા પછી લશ્કરી તાકાત વિકસાવવાનું પણ તેમણે વિચાર્યું. આ માટે ૧૯૫૫માં તેમણે અમેરિકાનો સહકાર માગ્યો. અમેરિકાના તે સમયના પ્રમુખ (અને માજી સેનાપતિ) આઇઝનહોવરે સહાય આપવાનો ઇન્કાર કરી દીધો. અત્યંત છેટેના અને સાવ અટૂલા પડી જતા દેશને મદદ કરી બદલામાં મેળવવાનું શું હતું? અફઘાનિસ્તાનને સાગરકાંઠો નહિ, તથા (અમેરિકાના રાજકીય સ્વાર્થની દ્રષ્ટિએ) સમૃદ્ધ અર્થતંત્ર નહિ, વ્યૂહાત્મક રીતે તેનું સ્થાન પણ મોકાનું નહિ.
મોકાનું સ્થાન એ વખતે ન હતું, કારણ કે અમેરિકા તેમજ સામ્યવાદી રશિયા વચ્ચે ઠંડા યુદ્ધનો આરંભ હજી થયો ન હતો. બીજે વર્ષે (૧૯૫૬માં) સામ્યવાદી રશિયાએ યુરોપી દેશ હંગેરી પર આક્રમણ કરી ત્યાં સામ્યવાદ વિરૂદ્ધના બળવાને કચડી નાખ્યો ત્યારે અમેરિકાને ચિંતા પેઠી. હવે અફઘાનિસ્તાનનું વ્યૂહાત્મક સ્થાન તેને મોકાનું લાગ્યું. રશિયાના એ પડોશી દેશમાં અમેરિકન જાસૂસી કેન્દ્રો અને લશ્કરી મથકો સ્થાપી શકાય તેમ હતાં, પરંતુ અફઘાનિસ્તાનને મિત્ર બનાવવામાં અમેરિકા મોડું પડ્યું. ઝાહિર શાહે આગલે વર્ષે જ રશિયાનો મિલિટરી સહકાર લેવાનું શરૂ કરી દીધું હતું. રશિયાએ શસ્ત્રો મોકલાવ્યાં. ડિફેન્સ ટેક્નોલોજિ ભણવા માટે અફઘાન યુવકો મોસ્કો ગયા. રશિયન ભાષા પણ શીખ્યા. ઘણા યુવકો તો સામ્યવાદી બનીને પાછા આવ્યા. રશિયનોએ ત્યાર બાદ કાબુલ સરકારને પહાડી રસ્તા બાંધી આપ્યા. એક ધોરી માર્ગ રૂસી-અફઘાન સરહદ અને હેરાત વચ્ચે બાંધ્યો, જ્યાંથી તે કંદહાર તરફ વળતો હતો. બીજો ધોરી માર્ગ સરહદને કાબુલ સાથે જોડતો હતો. આ બન્ને માર્ગો પરનો દરેક પુલ પંચાવન ટનની રણગાડીનો બોજો ખમી શકે એવો મજબૂત હતો.
અફઘાનિસ્તાનમાં સામ્યવાદી રશિયનોની અવરજવર વધવા લાગી, જેને કારણે એ દેશને પણ સામ્યવાદનો ચેપ લાગ્યો. પર્ચમ અને ખલ્ક નામના બે સામ્યવાદી પક્ષો રચાયા, એટલે મૂડીવાદી અમેરિકાની નામીચી જાસૂસી સંસ્થા CIA ઝાહિર શાહને પછાડવા સક્રિય બની. અફઘાનિસ્તાનના વડા પ્રધાન અને ઝાહિર શાહના પિત્રાઇ ભાઇ મહમ્મદ દાઉદ ખાનને તેણે રાજકીય બળવો કરી સત્તા પર બેસી જવા પાનો ચડાવ્યો. બળવા સામે દેકારો મચાવનારા બીજા આગેવાનોનું મોં બંધ કરી શકાય એ માટે દાઉદને પુષ્કળ નાણાં પણ આપ્યાં.
દાઉદને સત્તાનો લોભ જાગ્યો. ૧૯૭૩માં ઝાહિર શાહ રજા ગાળવા માટે ઇટાલિ ગયા ત્યારે દાઉદે તેમની ગેરહાજરીનો ફાયદો ઊઠાવ્યો. ઝાહિરને પદભ્રષ્ટ કરી અફઘાનિસ્તાનને પ્રજાસત્તાક જાહેર કર્યું. શાહ-અમીરની પ્રથાનો સવા બસ્સો વર્ષે અંત લાવી દીધો. આ પગલાને ઝાહિર શાહે પડકાર્યું કે વખોડ્યું પણ નહિ. ‘ભલું થયું ભાંગી જંજાળ’ એવા ખ્યાલે તેઓ ઇટાલિના પાટનગર રોમમાં વસી ગયા. રશિયા જો કે પગ વાળીને બેસી ન રહ્યું. સરહદની અડોઅડના દેશનો રાજકર્તા અમેરિકાની જાસૂસી સંસ્થાનો બગલબચ્ચો હોય એ સ્થિતિ રશિયા માટે જોખમી હતી, એટલે તેણે મોસ્કોમાં ત્યારે રહેતા બબરાક કરમાલ નામના અફઘાન સામ્યવાદી નેતાને કાબુલ મોકલ્યા. સાથોસાથ પ્રમુખ દાઉદને કહેણ મોકલ્યું કે કરમાલને તથા બીજા સામ્યવાદી આગેવાનોને સરકારમાં ભાગ આપો. મૂડીવાદી અમેરિકાના હાથે ચણ ખાતા દાઉદ સામ્યવાદી આગેવાનોને પોતાની સરકારમાં કેવી રીતે લે? આમ છતાં બબરાક કરમાલને લેવા પડ્યા. રશિયા આખરે તો પડોશી દેશ, એટલે તેને નારાજ કરાય નહિ.
હવે અમેરિકા રૂઠ્યું. દાઉદે તેને ખુશ રાખવા અફઘાનિસ્તાનના સામ્યવાદી આગેવાન હાફિઝુલ્લા અમીનને જેલમાં પૂરી દીધા. આ ખબર જાણીને રશિયા વિફર્યું. એપ્રિલ ૨૮, ૧૯૭૮ના રોજ પાટનગર કાબુલના આકાશમાં MIG વિમાનો ઓચિંતાં દેખાયાં અને તેમણે ટી.વી. મથક પર તેમજ રેડિઓ સ્ટેશન પર બોમ્બ ફેંક્યા. દાઉદના રાજમહેલ પર રોકેટો વરસાવ્યાં. દાઉદ ભાગવા ગયા, પરંતુ એક વિમાને પોતાની મશીનગન વડે તેમને વીંધી નાખ્યા. આ હુમલો અફઘાન વાયુસેનાએ જ કર્યો હતો, પરંતુ હુમલો કરવા માટે પાયલટોને અઢળક પૈસા આપનાર રશિયન જાસૂસો હતા.
અહીં ફરી વખત પેલો મુદ્દાનો પ્રશ્ન થાય કે અફઘાનિસ્તાનને દેશ કહેવો કે પરસ્પર બાખડતી મહાસત્તાઓનો અખાડો? કેવું દુર્ભાગ્ય કે ભૂગોળના નકશામાં તેનું કઠેકાણેનું સ્થાન તેના ઇતિહાસને હંમેશા ટ્રેજિક વળાંકો આપ્યા કરતું હતું. વર્ષો પહેલાં સિકંદર, ચંગીઝખાન, તૈમૂર, બાબર, નાદિર શાહ તેમજ અંગ્રેજોએ તેને ઘમરોળ્યું, તો હવે રશિયા તથા અમેરિકા નામના બે પાડાઓ તેનો ખોડો કાઢી રહ્યા હતા. અફઘાનિસ્તાનના નસીબમાં શાંતિ લખી જ ન હતી.
દાઉદ મરાયા પછી નવી સરકારમાં નૂર મહમ્મદ તરાકી નામના સામ્યવાદી નેતા પ્રમુખ થયા. બબરાક કરમાલ ઉપપ્રમુખ બન્યા. હાફિઝુલ્લા અમીનને વિદેશમંત્રીનો હોદ્દો મળ્યો. ત્રણેય આગેવાનો સામ્યવાદી તો ખરા, પણ અમીન રશિયાને બદલે અમેરિકામાં ભણ્યા હતા. કાબુલ ખાતેના અમેરિકન રાજદૂત એડોલ્ફ ડબ્સ સાથે તેમને ગાઢ મૈત્રી હતી. વિદેશમંત્રી થયા પછી તેઓ છ મહિનામાં ૧૪ વખત ડબ્સને મળ્યા. અમીન પર સતત નજર રાખતા રશિયન જાસૂસોનો રિપોર્ટ મોસ્કો સરકારને મળ્યો, એટલે તેને દાળમાં કાળું લાગ્યું. હાફિઝુલ્લા અમીન પાસે અમેરિકા પાછો નવો બળવો કરાવવા માગતું હતું? રાજદૂત એડોલ્ફ ડબ્સ એટલા માટે અમીનને વારંવાર મળતો હતો? જો એમ હોય તો બન્નેનો ઘડોલાડવો કરી નાખવો જોઇએ. ફેબ્રુઆરી, ૧૯૭૯માં ચાર અફઘાનોએ ડબ્સનું અપહરણ કર્યું અને કાબુલની એક હોટલમાં તેમને બાન રાખ્યા. પ્રમુખ તરાકીએ રાજદૂતને છોડાવવા લશ્કરી ટુકડી મોકલી. ટુકડીએ હોટલને ઘેરી લીધી. અપહરણકારોને મારવા ફાયરિંગ શરૂ કર્યું. ચારેય અફઘાનો એ પહેલાં જ ફરસ પર લેટી ગયા હતા, એટલે માત્ર ડબ્સ વીંધાયા અને મૃત્યુ પામ્યા. આ કાવતરૂં પ્રમુખ નૂર મહમદ તરાકીનું હતું અને તેનો અમલ ખાડ / KHAD નામની અફઘાન ગુપ્તચર એજન્સીના વડા નજીબુલ્લાહ અહમદઝાઇએ કર્યો હતો.
મહાસત્તાઓની લડાઈમાં પાકિસ્તાન ફાવ્યું!
પ્રમુખ તરાકી હવે અમેરિકન રાજદૂતના મિત્ર અને પોતાના વિદેશમંત્રી હાફિઝુલ્લાહ અમીનને ખતમ કરવા માગતા હતા. એક રાત્રે તેમણે અમીનને પોતાના રાજમહેલે કશીક વાતચીત માટે બોલાવ્યા. શિયાળ જેવા ચાલાક અમીનને તરાકી પર સહેજ પણ ભરોસો નહિ, એટલે તેઓ પોતાના અંગરક્ષકોની સાથે ગયા. વાતચીતનો આરંભ થયો. થોડી વાર પછી અચાનક પ્રમુખ તરાકીના બોડીગાર્ડે અમીન સામે રિવોલ્વર તાકી અને બુલેટ છોડી. અમીનના વફાદાર અંગરક્ષકે તરાપ મારીને એ ગોળી પોતાના શરીર પર ઝીલી લીધી અને બીજી ક્ષણે જ એ મૃત્યુ પામ્યો. દરમ્યાન જો કે અમીનના બીજા અંગરક્ષકોએ પ્રમુખ નૂર મહમદ તરાકીને વીંધી નાખ્યા.
આ જાતનું ધમાસાણ ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં થાય એવું તો આપણે કલ્પી પણ ન શકીએ, પરંતુ લડાયક અને હિંસક મિજાજવાળી પ્રજાના દેશ અફઘાનિસ્તાન માટે તે અતિ સામાન્ય વાત હતી. અધૂરામાં પૂરૂં, રશિયા તથા અમેરિકા પોતપોતાના સ્વાર્થ માટે અફઘાનોનું લોહી અફઘાનોના હાથે રેડાવતા હતા.
પ્રમુખ નૂર મહમદ તરાકીનું કાસળ નીકળ્યા પછી હાફિઝુલ્લા અમીન રાતોરાત અફઘાનિસ્તાનના સર્વસત્તાધીશ બન્યા. રશિયાના બીજા મિત્ર બબરાક કરમાલ ત્યારે ચેકોસ્લોવેકિયામાં હતા. અમીને હુકમ મોકલાવ્યો કે હવે પાછા આવતા નહિ. કરમાલને પોતાનો જાન વહાલો હતો, એટલે તેમણે પાછા ન જવામાં જ ડહાપણ માન્યું.
રશિયનોના ગુસ્સાની સીમા ન હતી. હવે અફઘાનિસ્તાન અમેરિકન છાવણી તરફ સરી જાય એ નક્કી હતું. અમેરિકનો વખત જતાં અફઘાનિસ્તાનમાં રૂસી સરહદ પાસે રેડારયંત્રો ગોઠવે, હવાઇ અડ્ડા સ્થાપે, વિમાનો દ્વારા જાસૂસી કરે અને રશિયન સૈન્યના ગુપ્ત વાર્તાલાપો સાંભળે એ બધું કેવી રીતે સહી લેવું? અને છતાં અમેરિકાના કાંધિયા અમીનના રાજમાં છેવટે એમ જ બનવાનું હતું.
રશિયાની ધીરજ ખૂટી. ડિસેમ્બર ૨૪, ૧૯૭૯ના રોજ તેનાં અનેક સૈનિકવાહક વિમાનો કાબુલ તરફ રવાના થયાં અને ત્યાંના રન-વે પર ઉતર્યાં. એરપોર્ટ કબજે લીધું. રશિયન સેનાપતિ પોતાની સૈનિક ટુકડી સાથે તરત રાજમહેલ તરફ હંકારી ગયો, બિનધાસ્ત રીતે મહેલમાં પ્રવેશ્યો, હાફિઝુલ્લાહ અમીનને જોયા પછી સ્મિત કર્યું અને ત્યાર બાદ રિવોલ્વર કાઢી અમીનને ત્રણ ગોળીઓ મારી દીધી. રશિયન સૈનિકોએ છેવટે રાજમહેલના દરેક કર્મચારીને વીંધી નાખ્યો.
બબરાક કરમાલ માટે સત્તાનો માર્ગ ખૂલી ગયો. ૧૯૭૯માં જ તેઓ અફઘાનિસ્તાનના પ્રમુખ બન્યા. આ તરફ રૂસી દળોએ કાબુલ, હેરાત, જલાલાબાદ, ગઝની, કંદહાર, ખોસ્ત, મઝાર-એ-શરીફ વગેરે મુખ્ય નગરો પર તેમનું વર્ચસ્વ સ્થાપી દીધું. રશિયાથી દરરોજ પોણો સો વિમાનોનું આગમન થતું હતું. સૈનિકોનું કુલ સંખ્યાબળ અંતે ૮૫,૦૦૦ના જુમલે પહોંચ્યું. Infantry / પાયદળના સૈનિકો તેમાં ૬૦,૦૦૦ હતા. બાકીના પચ્ચીસ હજાર જણા મુખ્યત્વે પાયલટો, તોપચીઓ, રણગાડીના ચાલકો, ફિલ્ડ એન્જિનિઅરો, વાયરલેસ ઓપરેટરો, ચોકિયાતો અને લશ્કરી તબીબો હતા.
અફઘાનિસ્તાનને લગભગ જીતી લેવામાં સામ્યવાદી રશિયાએ એટલી ઝડપ દેખાડી કે જવાબી કાર્યવાહીમાં શું કરવું તે વિચારવાનો પણ અમેરિકાને સમય ન મળ્યો. આમેય રશિયા સાથે આમનેસામનેનું પ્રત્યક્ષ યુદ્ધ ખેલવાનો પ્રશ્ન જ ન હતો. બેઉ મહાસત્તાઓ-કમ-અણુસત્તાઓ વચ્ચેનો સીધો ટકરાવ તરત ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમે, એટલે માત્ર પરોક્ષ રીતે સામ્યવાદી રશિયાને (સોવિયેત યુનિયનને) પરાજિત કરવું પડે તેમ હતું. આ કામમાં પાકિસ્તાનના એ વખતના સરમુખત્યાર જનરલ ઝિયા ઉલ—હક અમેરિકાને મદદરૂપ થયા. લુચ્ચાઇમાં કાગડો પણ જેમની પાસે સાવ ભોટ ગણાય એવા ઝિયા એક કાંકરે બે નહિ, પણ અડધો ડઝન પક્ષીને મારી શકતા હતા. (દરેક પક્ષી કાગડો હોય તો પણ મર્યો જ સમજવો.) ઝિયા માટે એમ કહેવાતું કે તેમના પેટમાં છૂપાયેલી કાતર એક્સ-રે ફોટામાં પણ કદી પકડાય નહિ.
વિદેશી આક્રમણને સાંખી ન લેતા અફઘાન પઠાણો રશિયા સામે લડવા તૈયાર હતા, પણ તેમની પાસે આધુનિક શસ્ત્રસામગ્રી ન હતી. છેલ્લું યુદ્ધ તેઓ ૧૯૧૯માં બ્રિટીશહિન્દના અંગ્રેજો સામે તમંચા અને દેશી બંદૂકો વડે લડ્યા હતા—તે જમાનો ક્યારનો વીતી ચૂક્યો હતો. સામી તરફ રશિયન ફોજ પાસે MIG-23 અને Sukhoi-17 જેવાં વિમાનો, MI-24 જેવાં સશસ્ત્ર હેલિકોપ્ટરો, Grad પ્રકારનાં મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર્સ, AK-47 રાયફલો વગેરે અદ્યતન શસ્ત્રો હતાં. પરિણામે અમેરિકાએ પહેલાં તો અફઘાનોને હાઇ-ટેક શસ્ત્રો પહોંચાડવાનાં થયાં, જે તેણે પોતાની જાસૂસી સંસ્થા CIA મારફત રવાના કર્યાં. અમેરિકન સરકાર પોતે બેકગ્રાઉન્ડમાં રહી, કેમ કે રશિયા જોડે સીધા ઘર્ષણમાં આવવું તે ત્રીજા વિશ્વયુદ્ધને કંકોત્રી મોકલ્યા બરાબર હતું. પાકિસ્તાન સરકાર પણ ‘અમને શી ખબર?’ એવું ગમે ત્યારે રશિયાને કહી શકે એ માટે જનરલ ઝિયા ઉલ—હકે પોતાની ગુપ્તચર સંસ્થા ISI ને વચ્ચે રાખી. ટૂંકમાં, શસ્ત્રો મોકલનાર પાર્ટી CIA અને શસ્ત્રો લેનાર પાર્ટી ISI હતી.
અફઘાનોના હાથમાં શસ્ત્રો પકડાવી દેવાનો જો કે કશો અર્થ ન હતો. અમુક મોડર્ન શસ્ત્રો તેમણે કદી જોયાં પણ ન હતાં, માટે તેમને એ હથિયારો વાપરતા શીખવવું પડે તેમ હતું. અર્વાચીન યુદ્ધના વ્યૂહાત્મક દાવ પણ શીખવવાના થતા હતા. આ બધી જવાબદારી ઝિયાએ ISI ના મુખ્ય નિયામક લેફ્ટનન્ટ-જનરલ અખ્તર અબ્દુલ રહેમાન ખાનને સોંપી.
અમેરિકાએ ૬ અબજ ડોલરનાં (હૂંડિયામણના તત્કાલીન દરે લગભગ ₹ ૨૮,૦૦૦ કરોડનાં) શસ્ત્રો મોકલાવ્યાં. જનરલ ઝિયાએ અફઘાનોને તેમાંનાં માંડ ૩૦% શસ્ત્રો આપ્યાં. બાકીનાં ગપચાવ્યાં અને રાવલપિંડી નજીક ઓજારી કેમ્પ નામના જબરજસ્ત શસ્ત્રગોદામમાં ખડકી દેવડાવ્યાં. દા. ત. અમેરિકાએ પોતાની જાસૂસી સંસ્થા મારફત પાકિસ્તાનને AK-47 તથા AK-56 પ્રકારની કુલ ૩૦,૦૦,૦૦૦ ઓટોમેટિક રાયફલો પહોંચાડી, જેમાંની માંડ બેએક લાખ એટલે કે ૭% રાયફલો અફઘાનો સુધી પહોંચી. બાકીની ઓજારી ખાતોના શસ્ત્રાગારમાં. ISIના નિયામક લેફ્ટનન્ટ જનરલ અખ્તરે રશિયા સામે લડવા માગતા પુશ્તુન (પઠાણો), તાજિકો, હઝારા, ઉઝબેકો વગેરે માટે તાલીમી કેન્દ્રો ખડાં કર્યાં હતાં. બધું મળીને સંખ્યા ૨,૪૦,૦૦૦ હતી. ટ્રેઇનિંગ ભેગું એ મુસ્લિમોનું બ્રેઇનવોશિંગ પણ કરવા માટે અખ્તરે મુલ્લાઓને રોક્યા, જેમણે ધર્મના નામે સૌને ઉશ્કેર્યા. જેહાદ ચલાવવાનું કહ્યું. મુજાહિદિનનું (અલ્લાહના સૈનિકોનું) બિરૂદ તેમને આપ્યું. કુરાનમાં લખ્યા મુજબ જે વ્યક્તિ જેહાદમાં મરે તે શહીદ થાય અને જન્નત (સ્વર્ગ) પામે. યુદ્ધમોરચે મિલિટરી કમાન્ડર વાયરલેસ દ્વારા તેનો રિપોર્ટ આપતી વખતે એમ કહે કે, ‘મારી ટુકડીમાં અત્યારે પાંચ શહીદ છે અને બાવીસ ગાઝી છે.’ લડીને જીવતો રહે તેનું નામ ગાઝી, પરંતુ મુસ્લિમો તેના કરતાં શહીદને વધુ ખુશનસીબ માને. શહીદના મૃતદેહને સાફસુથરો કર્યા વગર જેમનો તેમ એટલે કે લોહીલુહાણ હાલતે જ દફન કરી દેવાય, કારણ કે ધર્મને ખાતર જે સ્થિતિમાં તે મર્યો હોય એ જ સ્થિતિમાં તેણે અલ્લાહ સમક્ષ હાજર થવું જોઇએ.
આમ પઠાણ, તાજિક, ઉઝબેક, હઝારા અને બીજી પેટાજાતિના બધા લડવૈયા અફઘાનો મુજાહિદિન બન્યા. વિદેશી આક્રમણોનો વખતોવખત મુકાબલો કરતી રહેલી પહાડી કોમના ખુન્નસમાં ધર્મનું ઝનૂન ભળે એટલે પછી વાત ક્યાં પહોંચે? રશિયનોના નાકે તેમણે દમ આણી દીધો. ગેરિલા ઢબે છાપામાર હુમલા કરી રૂસી સૈનિકોને બૂરી રીતે માર્યા. દરેક અફઘાન મુજાહિદિન પહાડોનો ભોમિયો હતો, જ્યારે રશિયનો માટે આખો મુલક અજાણ્યો હતો. ભૂમિયુદ્ધ ખેલવાનું તેમને ન ફાવ્યું, એટલે તેમણે મશીનગન, તોપો અને રોકેટો ધરાવતાં ગનશિપ હેલિકોપ્ટરો વડે મુજાહિદિનોને ભૂંજી નાખવાનું શરૂ કર્યું. આથી ISIના લેફ્ટનન્ટ-જનરલ અખ્તરે તરત અમેરિકન બનાવટનાં પોર્ટેબલ સ્ટિંગર મિસાઇલ્સની માગણી કરી. સરમુખત્યાર ઝિયાએ તાબડતોબ ૫૦,૦૦૦ સ્ટિંગર્સ મંગાવી આપ્યાં. મફત કા ચંદનનો ઓર્ડર મૂકવાનો હોય ત્યારે નાનો કેમ મૂકવો? અમેરિકા ખુલાસો માગે તો ઝિયા પાસે બહાનું તૈયાર જ હોય કે ડફોળ અફઘાનો પંદર મિસાઇલ્સ છોડે ત્યારે માંડ એકાદ મિસાઇલ અઠ્ઠેગઠ્ઠે રશિયન હેલિકોપ્ટરને વાગતું હતું.
ધર્મઝનૂની અફઘાન મુજાહિદિનો સામે લોહિયાળ સંઘર્ષ ખેલીને રશિયન સૈન્ય થાક્યું. નૈતિક હિંમત તૂટવા લાગી. આખરે તેમણે એવું ખોફનાક શસ્ત્ર અજમાવ્યું કે જે અત્યંત નીડર ગણાતા અફઘાનોની નૈતિક હિંમતને ભાંગી નાખે. આ શસ્ત્ર એટલે જમીનમાં દટાયેલી રહેતી અને જમીનની સપાટી પર માણસનો પગ મૂકાતાવેંત ફાટતી સુરંગ.
ગિરિમાળાનો જ બનેલો અફઘાન પ્રદેશ ખાસ્સો વિશાળ અને સામાન્ય રીતે પાકા રસ્તા વિનાનો, એટલે રોજી-રોટી માટે રોજેરોજ પુષ્કળ ભટકતા અફઘાનનું હાડમારીભર્યું જીવન તેના બે ટાંટિયા પર અવલંબે તેમાં આશ્ચર્ય નહિ. ખુમારીદાર સ્વભાવના પુશ્તુનને જાન ગુમાવવો પરવડે, પણ એકાદ પગ ગુમાવવાનો થાય તે પોસાય નહિ. ચાલી ન શકે એ વ્યક્તિ માટે અફઘાનિસ્તાન દેશ નકામો, એટલે રશિયનોએ મુજાહિદિનોના હાંજા ગગડાવવા ઠેરઠેર કુલ ૧૦,૦૦,૦૦૦ સુરંગો જમીનમાં દાટી. જેમનો મુજાહિદિનો ઉપરાંત નિર્દોષ લોકો પણ તેના શિકાર બનવાના હતા.
મુજાહિદિનોની હિંમત ભાંગી? પરબારો જવાબ મેળવવાને બદલે નાનો પ્રસંગ જોઇએ. ૧૯૮૩માં પઠાણોની જેહાદી ટુકડીએ એક રશિયન કમાન્ડરને યુદ્ધકેદી બનાવ્યો હતો. ગોળીએ નહોતો દીધો, કારણ કે તેને પુશ્તુ ભાષા આવડતી હતી અને રશિયન લશ્કરના વાયરલેસ મેસેજ સાંભળીને તે બધી વ્યૂહરચના પઠાણોને જણાવતો હતો. (કોઇ વાર ખોટી બાતમી પણ આપતો હતો.) એક રાત્રે મુજાહિદિન પઠાણો તેમના છૂપા અડ્ડા પાસે તાપણું કરીને બેઠા હતા. દોરડે બંધાયેલા રશિયન કમાન્ડરને થોડેક દૂર બેસાડ્યો હતો. પઠાણો બહાદુરી અને જવાઁમર્દી વિશે ચર્ચા કરતા હતા. ચર્ચા ઓચિંતી ચડસાચડસીમાં પરિણમી. બે પઠાણો વચ્ચે શરત લાગી. પડકાર ઝીલનાર પઠાણે તાપણાની અગનજ્વાળામાં પોતાનો હાથ ખોસી દીધો. ઉંહકારો સુદ્ધાં કાઢ્યા વગર એ જ સ્થિતિમાં રાખ્યો. પંજાનું માંસ શેકાવા લાગ્યું. રશિયન કમાન્ડર હળવી ચીસ પાડી ઊઠ્યો, પરંતુ જવાઁમર્દીનો પુરાવો આપી રહેલો પઠાણ તો પોતાનું જડબું સજ્જડ રીતે ભીડીને ચૂપચાપ વેદના સહન કરતો રહ્યો. બીજા સાથીદારોએ તેને હર્ષનાદો વડે બિરદાવ્યો અને પુશ્તુ ભાષામાં શૌર્ય ગીતો લલકારવાનું શરૂ કર્યું ત્યારે જ પેલાએ હાથ પાછો ખેંચ્યો. ડઘાયેલા રશિયન કમાન્ડરે જોયું કે પઠાણની હથેળી લાલઘૂમ હતી અને રક્તરસ જેવું પ્રવાહી ટપકતું હતું.
આ કમાન્ડર બેએક મહિના બાદ ભાગી છૂટવામાં સફળ થયો. અફઘાનિસ્તાન ખાતેના રશિયન નાયબ સેનાપતિ લેફ્ટનન્ટ-જનરલ વી. એમ. મિલાઇલોવને રૂબરૂ મળ્યો, પોતાનો અનુભવ વર્ણવ્યો અને કહ્યું : ‘આ લોકોને આપણે સો વર્ષે પણ જીતી ન શકીએ. આક્રમણ તરત સમેટી આપણે પાછા જતા રહેવું જોઇએ.’
સાચો અભિપ્રાય હતો. આમ છતાં યુદ્ધ ખેલાતું રહ્યું, પાકિસ્તાનના જનરલ ઝિયાને અમેરિકન શસ્ત્રો મળતાં રહ્યાં, મોટા ભાગનાં શસ્ત્રો તેમણે અધવચ્ચે તફડાવ્યાં અને તેમના વડે કાશ્મીરમાં આતંકવાદ શરૂ કરાવ્યો. અફઘાનોને માટે સ્થપાયેલાં તાલીમ કેન્દ્રોમાં જ તેમણે કાશ્મીરી મુસ્લિમોને તાલીમ આપવાનો બંદોબસ્ત ગોઠવ્યો. ઇસ્લામના નામે મુલ્લાઓએ કાશ્મીરના એ બધા યુવાનોનું પણ બ્રેઇનવોશ કરી નાખ્યું. ભારતના જ નાગરિકો પાસે તેમણે ભારતના કાશ્મીરમાં આતંકવાદ શરૂ કરાવ્યો, જેમાં બારેક વર્ષના અંતે (૨૦ર૦ સુધીમાં) કુલ ૪પ,૦૦૦ જણા માર્યા જવાના હતા. ઘણાખરા કાશ્મીરના હિન્દુઓ તથા લઘુમતી કોમના શીખો પણ હતા. આ સૌને વીંધનાર આતંકખોરો કાશ્મીરી, પરંતુ રાયફલો તથા બુલેટો અમેરિકન હતી.
સ્વાર્થ પૂરો એટલે સાથ પણ પૂરો!
ઇસ્લામને નામે ચરી ખાનાર જનરલ ઝિયા ઉલ—હકને તેમનાં પાપોની સજા મળ્યા વગર રહેવાની ન હતી. બન્યું એવું કે અફઘાનિસ્તાનના ૧૫,૦૦૦ સૈનિકો ગુમાવ્યા પછી (અને વધુ ૩૫,૦૦૦ સૈનિકો હંમેશ માટે અપંગ થયા પછી) રશિયાએ પરાજય સ્વીકારી લીધો. અફઘાનિસ્તાન સાથે તેણે શાંતિકરાર કર્યા. અફઘાનિસ્તાનને તેના નવા પ્રમુખ નજીબુલ્લાહના ભરોસે મૂકી રશિયન સૈન્ય પોતાના તંબૂ સંકેલવા માંડ્યું. નજીબુલ્લાહ પણ સામ્યવાદી હતા, એટલે સોવિયેત રશિયાના જિગરી હતા. જો કે રશિયા પોતે સામ્યવાદી રહેવા માગતું ન હતું. ટૂંક સમય પછી સોવિયેત રશિયાના પંદરેક પ્રાન્તો છૂટા પડી સ્વતંત્ર રાષ્ટ્રો બનવાના હતા. ટૂંકમાં, રશિયા-અમેરિકાનું ઠંડું યુદ્ધ સમાપ્ત થવાને ઝાઝી વાર ન હતી.
હવે અમેરિકાને જનરલ ઝિયામાં બિલકુલ રસ ન રહ્યો. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના નિયામક લેફ્ટનન્ટ-જનરલ અખ્તરમાં પણ નહિ. બેઉનો કાંટો દૂર કરવામાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIA નો ફાળો સાચેસાચ કેટલો એ તો કોણ જાણે, પરંતુ તેમનો ભોગ લેનાર હવાઇ અકસ્માત બહુ રહસ્યમય હતો. પાકિસ્તાનનું ખુશ્કીદળ અમેરિકી બનાવટની અબ્રાહમ રણગાડીઓ ખરીદવા માગતું હતું. રણગાડીની પ્રેક્ટિકલ ટ્રાયલનો કાર્યક્રમ અમેરિકાએ ઇસ્લામાબાદને બદલે સેંકડો કિલોમીટર છેટે ભવાલપુર ખાતે ગોઠવ્યો. આ પ્રસંગે જનરલ ઝિયા અને લેફ્ટનન્ટ-જનરલ અખ્તર પણ હાજર રહે એવો ખાસ આગ્રહ અમેરિકાએ રાખ્યો. રણગાડીની ખરીદી સાથે ISIના સુપર જાસૂસ અખ્તરને શી નિસ્બત? અને દેશના વડા તરીકે ઝિયાએ પણ રણગાડીને જોવા માટે સમય બગાડવાનો હોય નહિ. ગમે તેમ, પણ ઓગસ્ટ ૧૭, ૧૯૮૯ના દિવસે C-130 હર્ક્યુલિસ પ્રકારના જે અમેરિકન વિમાનમાં તેઓ બેઠા તે ભરઆકાશે વિસ્ફોટ પામીને તૂટી પડ્યું.
આ બીજી ભેદી ઘટના હતી. પ્રથમ ઘટનાના ચારેક મહિના અગાઉ બની હતી. રાવલપિંડી પાસે ઓજારીના જે શસ્ત્ર ગોદામમાં જનરલ ઝિયા અમેરિકન શસ્ત્રોનો ખડકલો કરાવતા ત્યાં એપ્રિલ, ૧૯૮૮ની રાત્રે ઓચિંતા ધૂમધડાકા શરૂ થયા. લગભગ ૩૦,૦૦૦ ટન રોકેટો અને મિસાઇલો સહિત ૧૦,૦૦૦ ટન દારૂગોળો હતો. ઉપરાંત AK-47 રાયફલો, મશીનગન્સ, બઝૂકા તોપો, ગ્રેનેડ લોન્ચર્સ વગેરેનો જંગી સ્ટોક હતો. એક ચિનગારીએ બધું સફાચટ કરી નાખ્યું.
ત્રીજી પણ એક ઘટના હતી. ભેદી તો નહિ, છતાં પાકિસ્તાન માટે ‘માઠા ખબર’ જેવી જ હતી. રશિયનોની વિદાય પછી નજીબુલ્લાહના સરકારી લશ્કર અને પાકતરફી મુજાહિદિનો વચ્ચે લાંબો સમય જંગ ચાલ્યો. મુજાહિદિનો કાબુલ તરફ આગળ વધતા ગયા. સરકારી લશ્કર પીછેહઠ કરતું રહ્યું. પરાજય નક્કી જણાવા લાગ્યો ત્યારે નજીબુલ્લાહે પોતાનાં કુટુંબીજનોને નવી દિલ્હી મોકલી આપ્યાં. ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ / RAW નજીબુલ્લાહને શક્ય એટલી મદદ કરવા તૈયાર હતી. કાબુલ ખાતેની ભારતીય એલચી કચેરીએ સિક્રેટ વિમાનીપ્રવાસ ગોઠવવામાં આગળ પડતો રોલ ભજવ્યો. આમ છતાં નજીબુલ્લાહ પોતે એપ્રિલ ૧૬, ૧૯૯૨ની રાત્રે સત્તા પડતી મૂકીને ભારત આવવા કાબુલ એરપોર્ટ પર ગયા ત્યારે ચોકિયાતોએ તેમને રોક્યા અને પાછા વાળ્યા. આ ભુતપૂર્વ પ્રમુખે નછૂટકે યુનોના મકાનમાં આશ્રય લેવો પડ્યો.
હવે મુજાહિદિનોએ સરકાર રચી. ૧૯૭૯થી ચાલતી લડાઇ તેમને મન જેહાદ (પવિત્ર યુદ્ધ) હતી, જેમાં તેઓ કામિયાબ થયા હતા અને ધર્મનું ‘રક્ષણ’ થયું હતું. આથી મોજાદિદિ નામના વયોવૃદ્ધ ધર્મગુરુને તેમણે પ્રમુખ બનાવ્યા, છતાં એ વ્યવસ્થા લાંબો સમય ન ટકી. આખરે મુજાહિદિનો (અલ્લાહના સૈનિકો) એટલે કોણ? ઇસ્લામને ખાતર રશિયનો સામે જેહાદ કરનારા બધા અફઘાનો તે નામે ઓળખાતા હતા. બાકી તેમના વચ્ચે ઝાઝું સામ્ય ન હતું. કોઇ પુશ્તુન હતા, કોઇ તાજિક હતા. ઉઝબેક, હઝારા, દુરાની અને જોઝાની પણ હતા. બધા પક્ષો સત્તા માટે બાખડ્યા. સત્તા પ્રાપ્ત કરવાની રેસ લાંબી ચાલી–અને સ્પર્ધા તો ગળાકાપ હતી. એક સમજૂતી પછી તાજિક નેતા બુર્હાનુદ્દીન રબ્બાની ૧૯૯૩માં નવા પ્રમુખ બન્યા. અહમદ શાહ મસૂદ નામના તાજિક ગેરિલા સરદાર અફઘાનિસ્તાનના સંરક્ષણમંત્રી બન્યા.
દેશની અડધોઅડધ પ્રજા જ્યાં પુશ્તુન યાને પઠાણ હોય ત્યાં તાજિક સરકાર કેટલો વખત ચાલે? આંતરવિગ્રહ શરૂ થયો. ઉઝબેક સરદાર રશીદ દોસ્તમ પણ તેના યોદ્ધાઓ સાથે મેદાને પડ્યો. સામસામા મોરચા ગોઠવાયા. એક તરફ પુશ્તુન નેતા ગુલબુદ્દીન હિક્મત્યાર, જેને દેશમાં બહુમતી ધરાવતા પુશ્તુનોનું એટલે કે પઠાણોનું રાજ સ્થાપવું હતું. બીજી તરફ ઉઝબેક સરદાર રશીદ દોસ્તમ અને ગેરિલા સરદાર અહમદ શાહ મસૂદ હતા. દેશની લઘુમતી કોમો માટે તેઓ લડતા હતા, માટે બીજી છૂટપૂટ કોમોનો પણ તેમને સાથ હતો. આ સૌએ ઉત્તર અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવ્યો. સંગઠિત મોરચો ખોલી દક્ષિણ તરફ આગળ વધ્યા. ઉઝબેકિસ્તાનની અને તાજિકિસ્તાનની જનતા તેમના ‘અપનેવાલા’ સરદારોને પૈસા આપતી હતી. ઉત્તરમાં રચાયેલું તેમનું સંગઠન નોર્ધન અલાયન્સ તરીકે ઓળખાવા લાગ્યું. પઠાણો સામે તેમનું જોર એટલું બધું કે કાબુલમાં તાજિક પ્રમુખ બુર્હાનુદ્દીન રબ્બાનીનો ગઢ અકબંધ રહ્યો.
આ બધા ઘટનાક્રમમાં પાકિસ્તાનનો રોલ શો? કોઇ જ નહિ. અફઘાનોએ તેને સાવ તડકે મૂકી દીધું હતું. પાકિસ્તાન અસલમાં પઠાણોનું ટેકેદાર, માટે તાજિક કોમના રબ્બાનીને અને મસૂદને તેના પ્રત્યે દાઝ હતી. ઉઝબેક સરદાર દોસ્તમ પણ નારાજ હતો. પાકિસ્તાને રોંદણાં તો એ વાતે રડવાનાં થયાં કે ખુદ પઠાણ સરદાર ગુલબુદ્દીન હિક્મત્યાર તેના કહ્યામાં ન હતો. આ કફોડા સંજોગોને બદલવા કેમ?
સંજોગોને બદલવાની જરૂર શા કારણે હતી? કારણ કે મધ્ય એશિયાનો નકશો ૧૯૯૧ પછી બદલાયો હતો. રશિયાના મુસ્લિમ પ્રાંતો સ્વતંત્ર રાષ્ટ્રો થયાં હતાં. ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, અઝરબૈજાન, કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન, કિર્ગિઝસ્તાન વગેરેને સાગરકાંઠો ન હોવાને લીધે તેઓ મુક્તપણે આયાત-નિકાસ દ્વારા વેપાર કરી શકતા ન હતા. આ બધા દેશો પાકિસ્તાનનું કરાંચી બંદર વાપરી શકે, પણ તેમાં પાયાની શરત એ કે અફઘાનિસ્તાન પર દરેક વાતે પાકિસ્તાનનું વર્ચસ્વ હોવું જોઇએ. માલવાહક ખટારાના કાફલાએ વાયા અફઘાનિસ્તાન જ હંકારવું પડે તેમ હતું. સંજોગો બરાબર ગોઠવાયા બાદ પાકિસ્તાનને ટ્રાન્સપોર્ટ અને પોર્ટ સર્વિસ દ્વારા મબલખ આવક થાય એટલું જ નહિ, પણ મધ્ય એશિયાના મુસ્લિમ દેશો પાકિસ્તાનનો ખાંડ અને કપાસ જેવો માલ ખરીદી તેને ન્યાલ કરી દે. પાકિસ્તાન તો એ તેલસમૃદ્ધ દેશોના પેટ્રોલિયમની તથા ગેસની પાઇપલાઇનો છેક કરાંચી બંદર સુધી બિછાવીને વર્ષે કરોડો ડોલરનું ભાડું કમાવા માગતું હતું.
પાકિસ્તાને અફઘાન ભૂમિ પર આડકતરું વર્ચસ્વ જમાવવા માટે નવો દાવ ખેલ્યો. સત્તાવિહોણા પુશ્તુનોને તેણે હાથ પર લીધા. ઇમામોને રોકી ઇસ્લામના પાઠ તેમને ભણાવ્યા. ધર્મના નામે મરી ફીટવાનું મહત્વ સમજાવ્યું. દરેક પુશ્તુનને ત્યાર પછી તાલિબનું બિરૂદ આપ્યું. અરબી ભાષામાં તાલિબનો મૂળ શબ્દ છે તલબ, જેનો મતલબ આપણે ‘શોધવું’, ‘તલાશવું’, ‘ઝંખવું’ એવો કરી શકીએ. ઇસ્લામી પરિભાષામાં જોવા બેસો તો એ ધર્મનું જ્ઞાન ખોજનાર માણસ એટલે તાલિબ અને માણસો (બહુવચન) એટલે તાલિબાન.
પુશ્તુનોને તો જાણે પાનો ચડાવવામાં આવ્યો, પણ તેમના કરતાં વધુ ઝનૂની તાલિબાનો પાકિસ્તાનની ૨૫,૦૦૦ મદ્રેસા સ્કૂલોમાં પાક્યા. રશિયા સામેના યુદ્ધ વખતે જે પુશ્તુનો નિરાશ્રિત તરીકે પાકિસ્તાન આવ્યા તેમના પુત્રોને મદ્રેસામાં વિનામૂલ્યે શિક્ષણ મળ્યું. અલબત્ત, ઇસ્લામ ધર્મ સિવાય બીજું કશું ત્યાં ભણાવાય નહિ અને તે ધર્મના લેસનમાં વળી જેહાદ સિવાય બીજી વાત નહિ. થોડાં વર્ષોમાં તો હજારો પુશ્તુન છોકરાઓ જેહાદી યુવાનો તરીકે તાલિબાનના સભ્ય બન્યા. ઘણા કટ્ટરપંથી પાકિસ્તાની સૈનિકો અને મુજાહિદિનો પણ તાલિબાનમાં જોડાયા, છતાં આશ્ચર્યની વાત એ છે કે તાલિબાનનું અસ્તિત્વ વર્ષો સુધી ખાનગી રહ્યું. પાકિસ્તાનના ભુતપૂર્વ સેનાપતિ જનરલ નસરૂલ્લાહ બાબરને ગુપ્તતા જાળવવા બદલ દાદ આપવી જોઇએ. આ નવા સંગઠનને તેઓ જ ક્રમશઃ મોટી ફોજનું સ્વરૂપ અત્યંત ગુપ્ત રીતે આપી રહ્યા હતા.
દુનિયાએ તાલિબાનનું નામ પહેલી વખત સપ્ટેમ્બર, ૧૯૯૪માં સાંભળ્યું. પ્રસંગ એમ બન્યો કે પાકિસ્તાનના ૩૦ માલવાહક ખટારાનો રસાલો ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જતો હતો. રસાલાએ વાયા કંદહાર તથા હેરાતના માર્ગે સફર ખેડવાની હતી. ખટારા અફઘાન પ્રદેશમાં દાખલ થયા કે તરત મુજાહિદિનોએ તેમને રોક્યા. બધો માલ તેમણે ઊતારી લીધો. મુજાહિદિનો ઘણું કરીને તાજિક હતા અને દેશના તાજિક પ્રમુખ બુર્હાનુદ્દીન રબ્બાનીના શાસનમાં તેઓ નિર્ભય હતા.
ખટારા લૂંટાયાના સમાચાર જનરલ નસરૂલ્લાહ બાબરને મળ્યા કે તરત વડા પ્રધાન બેનઝિર ભુટ્ટોની પરવાનગી લીધા બાદ તેઓ કેટલાક તાલિબાનીઓ સાથે પહાડી માર્ગ તરફ રવાના થયા. ઘાટમાં છૂપાયેલા મુજાહિદિનો પર મશીનગનો, રોકેટો અને મોર્ટાર તોપો વડે મારો ચલાવ્યો. ઘણાખરા મુજાહિદિનો તે અણધાર્યા હુમલામાં માર્યા ગયા, જ્યારે બાકીના નાસી છૂટ્યા. જનરલ બાબરે લૂંટાયેલો માલ તો જાણે પાછો અંકે કર્યો, પરંતુ વધુમાં એક લોટરી પણ તેમને લાગી. કંદહારના માર્ગ પર બસના પેસેન્જરો વખતોવખત લૂંટાતા હતા અને ખટારાના ચાલકોએ મુજાહિદિનોને ‘નાકાવેરો’ આપવો પડતો હતો. જનરલ નસરૂલ્લાહ બાબરના નેતૃત્વ હેઠળ તાલિબાને એ ઉપદ્રવો, દૂર કર્યા એટલે સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનનું નામ ગાજ્યું. દરમ્યાન બીજા પ્રસંગે તાલિબાની સૈનિકોએ મુજાહિદિનનો શસ્ત્રભંડાર કબજે લીધો. આ પણ બમ્પર લોટરી હતી. બધું મળી તેને ૨૬૦ ભારે રશિયન તોપો, ૧૮૦ મધ્યમ કદની તોપો, ૧૪૦ રોકેટ લોન્ચર્સ, ૧૪,૦૦૦ રોકેટો, ૧૮,૦૦૦ AK-47 રાયફલો અને ૧૨૦ નાની તોપોનો દલ્લો હાથ લાગ્યો. મુજાહિદિનો સામે એ પછી તો તાલિબાને રીતસરનું યુદ્ધ આરંભ્યું.
આ નવા યુદ્ધમાં અમેરિકાએ છૂપી રીતે તાલિબાનને શસ્ત્રસહાય આપી. બુદ્ધિના પ્રદર્શન જેવું પગલું ભર્યું, છતાં એ વખત પૂરતી તેને પોતાની ગણતરી સાચી લાગી. મુસ્લિમો શિયા તથા સુન્ની એમ બે જાતના હોય અને બેય એકમેકને પોતાના શત્રુ માને. પાકિસ્તાન સુન્ની મુસ્લિમોનો દેશ, એટલે તેને પડોશી ઇરાન સાથે અણબનાવ હતો. ઇરાનને વળી અમેરિકા જોડે દુશ્મની હતી. આ સંજોગોમાં અમેરિકાને થયું કે સુન્ની તાલિબાનોની ખુમારી જોતાં તેમને જો પૂરતો સાથ આપ્યો હોય તો વખત જતાં તેઓ અમેરિકા વતી ઇરાનને તોબા પોકારાવી દે. અમેરિકાએ તે સંગઠનને આડકતરી રીતે ઘણી મદદ કરી. અફઘાનિસ્તાનના લોકો પણ એમ ધારી બેઠા કે તાલિબાન ખરેખર મુજાહિદિનોના ત્રાસ સામે તેમનું રક્ષણ કરવા માટે અલ્લાહે મોકલેલું સંગઠન હતું. આથી મુજાહિદિનો સામેના આંતરવિગ્રહમાં તેમણે પણ તાલિબાનને મદદ કરી. પાકિસ્તાનના લશ્કરી માર્ગદર્શન તથા અમેરિકન શસ્ત્રો વડે તાલિબાને ૧૯૯૬માં કાબુલ જીતી લીધું. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (યુનો)ની કચેરીમાં આશ્રિત તરીકે રહેતા માજી પ્રમુખ નજીબુલ્લાહને તાલિબાની સૈનિકોએ પકડ્યા, બહાર કાઢ્યા અને ભરરસ્તે સૌના દેખતા ફાંસી પર લટકાવ્યા. ત્રણ દિવસ સુધી તેમના મૃતદેહને એમ જ લટકતો રાખ્યો. સારૂં થયું કે મૂળ તાજિક વંશના પ્રમુખ બુર્હાનુદ્દીન રબ્બાની વખતસર કાબુલ છોડી તાજિકિસ્તાન જતા રહ્યા હતા. નહિતર તાલિબાનીઓ તેમના શા હાલ કરત એ કોણ જાણે.
ઇસ્લામ ધર્મના નામે તાલિબાને પછી તો અફઘાનિસ્તાનને ‘પવિત્ર’ બનાવવાનું કામ આરંભ્યું. તાલિબાનના નેતા અને દેશના નવા પ્રમુખ મુલ્લાહ મોહમ્મદ ઓમારે હુકમ બહાર પાડ્યો કે દેશમાં (૧) કોઇએ સંગીત વગાડવું નહિ; (૨) દાઢીનું સહેજ પણ ‘શેવિંગ’ કરવું નહિ; (૩) ફોટોગ્રાફી કરવી નહિ; (૪) છોકરીઓને સ્કૂલમાં ભણાવવી નહિ; (૫) સ્ત્રીઓએ નોકરી કરવી નહિ; (૬) ટી.વી. સેટ ખરીદવો કે જોવો નહિ; (૭) ઇન્ટરનેટ ચલાવવું નહિ વગેરે વગેરે.
તાલિબાનનો રૂઢિવાદી ઇસ્લામ ધર્મ બીજા મુસ્લિમ દેશોમાં પ્રસર્યો. કટ્ટરવાદી મુસ્લિમોનું તાલિબાને રીતસર વશીકરણ કર્યું અને તેમના મનમાં જેહાદની એવી તાલાવેલી જગાડી કે ઘણા યુવાનો આતંકવાદના રવાડે ચડ્યા. બાકી હતું તે તાલિબાનના નેતા મુલ્લા મોહમ્મદ ઓમાર જેવી જ વિચારસરણીનો બિન લાદેન તે યુવાનોને શહીદ થવાની હાકલ કરવા લાગ્યો. કેટલાક જેહાદી યુવાનો ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ત્રાટક્યા ત્યારે અમેરિકાને ભાન થયું કે તાલિબાનોને ટેકો આપવામાં તેણે કેટલી મોટી ભૂલ કરી હતી. આ ધર્મઝનૂની સંગઠન તેના સર્જક પાકિસ્તાનના કહ્યામાં પણ રહ્યું નહિ.
અફઘાનિસ્તાનની કરુણ આપવીતીની કથાનો અંત જે આવે તે સાચો, પણ તેનો ભૂતકાળ જોતાં એમ લાગ્યા વગર ન રહે કે ખરેખર તે દુર્ભાગી દેશ છે. દુનિયાના બીજા અનેક દેશો આજે સ્માર્ટફોન, ઇ-મેલ, સ્માર્ટ કાર્ડ, લેસર સર્જરી, જેનેટિક એન્જિનિઅરિંગ, ડીજીટલ ડિસ્ક, બારકોડ, એનિમેશન, ટચ સ્ક્રીન, ડોલ્બી સાઉન્ડ વગેરેના અલ્ટ્રા-મોડર્ન યુગમાં જીવે છે, જ્યારે અફઘાનિસ્તાનમાં પછાતપણાની લિમિટ નથી. લગભગ ૬૪% અફઘાનો અંગૂઠાછાપ છે. ૧૦૦માંથી ૨૫ બાળકો પાંચ વર્ષનાં થાય તે પહેલાં મૃત્યુ પામે છે. પુરુષોની સરેરાશ આવરદા ૪૦ વર્ષ અને સ્ત્રીઓની ૪૪ વર્ષ ગણાય છે. દેશના ૮૮% લોકોને તેમના ગામમાં કે શહેરમાં પીવાલાયક પાણી મળતું નથી તો ૭૦% લોકો બે ટંકનું ભોજન પામતા નથી.
ભૂતકાળમાં એકેય દેશના આક્રમણ સામે ન નમેલા દેશના વર્તમાનની આ છે નક્કર વાસ્તવિકતા.