કઇ રીતે બદલાયા પાકિસ્તાનના ઇતિહાસ અને ભૂગોળ?
આજથી બરાબર પ૦ વર્ષ પહેલાં ભારતના શૂરા જવાનો દેશ માટે જાન ન્યોછાવર કરી દેવાની સંપૂર્ણ તૈયારી સાથે આક્રમણખોર શત્રુ સામે દિવસરાત લડ્યા ત્યારે આજના ઘણાખરા ભારતવાસીઓનો હજી જન્મ પણ થયો ન હતો.
પાકિસ્તાનની સબમરિનનો શિકાર બનેલી આપણી ફ્રિગેટ મનવાર ખુકરી ના કેપ્ટને ઉન્નત પ્રણાલિકાને અનુસરી પોતાના જહાજ સાથે કેવી રીતે સ્વસ્થતાપૂર્વક જળસમાધિ લીધી, એક વિંગ કમાન્ડરે ભારતીય વાયુસેનાના સૈનિકવાહક / માલવાહક વિમાનને શી યુકિત વડે તાંડવકારી બોમ્બરમાં ફેરવી નાખ્યું, ભારતની ટચૂકડી મિસાઇલ બોટની ટુકડીએ કરાંચી બંદરે પહોંચી તેનાં જાજરમાન યુદ્ધજહાજોનો ખાત્મો શી રીતે ર્ક્યો વગેરેની તલસ્પર્શી જાણકારી દેશના બહુમતી લોકોને નથી.
માર્ચ રર-ર૪, ૧૯૪૦માં લાહોરના ઇકબાલ પાર્કમાં ઑલ-ઇન્ડિઆ મુસ્લિમ લીગનું અધિવેશન ભરાયું હતું. અવિભાજિત બંગાળના વડા પ્રધાન એ. કે. ફઝલુબ હકે પોતાના વક્તવ્ય દરમ્યાન ટાઇમ બોમ્બ જેવો પ્રસ્તાવ મૂક્યો, જે સાત વર્ષ પછી ફાટીને જાનમાલની ભયંકર તારાજી કરવાનો હતો. પ્રસ્તાવ Two Nation Theory નામે પહેલાં ધૂળની ડમરી અને પછી વાવાઝોડું બનવાનો હતો. ફઝલુબ હકે એક રાષ્ટ્ર ભારતના હિન્દુઓનું અને બીજું રાષ્ટ્ર ભારતના મુસ્લિમોનું એમ બે રાષ્ટ્રો સ્થાપવાની માગણી રજૂ કરી હતી.
ધર્મના નામે અખંડ ભારતના ટુકડા કરી નાખવાની એ. કે. ફઝલુબ હકની માગણીએ એ વખતના અગ્રણી મુસ્લિમ નેતા લિયાકત અલી ખાનને જોશમાં લાવી દીધા. મુસ્લિમ રાષ્ટ્ર સ્થાપવાનો અજેન્ડા તેમણે સંભાળી લીધો. વિશાળ પાયે ઝુંબેશ શરૂ કરી અને તેના ફળરૂપે ઑગસ્ટ ૧૪, ૧૯૪૭ના રોજ તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા.
નવો દેશ પેચવર્ક હતો, કેમ કે બંગાળી, પંજાબી, બલુચી, સિંધી, હઝારા, આફ્રિદી, પઠાણ વગેરે એકમેકથી સાવ જુદી સંસ્કૃતિઓને ધર્મના એક ગાંસડે બાંધી શકાય નહિ. આ ગઠનને દેડકાની પાંચ શેરી જેવું પણ કહી શકીએ. પંજાબી બહુમતીના લશ્કરે દેડકાઓને છૂટા ન પડવા દીધા ત્યાં સુધી ઠીક હતું, પણ બંગાળી મુસ્લિમોને જ્યારે મુસ્લિમને બદલે બંગાળી લેખી તેમનું અસ્તિત્વ પૂરેપૂરી મિટાવવાની કુબુદ્ધિ જ્યારે ઇસ્લામાબાદના લશ્કરી આપખુદોને સૂઝી ત્યારે ભારતે આમેય ખંડિયેટ જેવી Two Nation Theory ને ડિસેમ્બર ૩, ૧૯૭૧થી ડિસેમ્બર ૧૬, ૧૯૭૧ સુધીનાં માત્ર બે સપ્તાહમાં જમીનદોસ્ત કરી નાખી.
યુદ્ધની સિલસિલાબંધ કથા નગેન્દ્ર વિજયની કલમે દૈનિક ધોરણે રજૂ કરી રહ્યા છીએ.
એક જરૂરી સ્પષ્ટતા : આ શ્રેણીને નગેન્દ્ર વિજયના ‘યુદ્ધ’૭૧’ પુસ્તક જોડે સહેજ પણ સંબંધ નથી. શ્રેણી ‘રનિંગ કોમેન્ટ્રી’ છે, જ્યારે ‘યુદ્ધ’૭૧’ ભારતની રણનીતિને રસાળ શૈલીમાં આલેખતું પુસ્તક છે. સાવ જુદું છે.
Date
Title